ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર, 2021
મંગળવાર
તાજેતરમાં લોઅર પરેલની વન અવિઘ્ન હાઇરાઇઝ ઇમારતમાં આગ લાગી હતી. જેમાં જાનમાલને નુકસાન થયું હતું. તે ધ્યાનમાં રાખતા મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને તમામ ઇમારતો અને ઓફિસોને ચેતવણી આપી હતી કે ફાયર સેફ્ટી સિસ્ટમ અને આગ લાગવાની સૂચના આપતા ઉપકરણો યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેનું દરેકએ ધ્યાન રાખવું. જે સોસાયટી કે ઓફિસના માલિક આવું નહીં કરતા હોય તો તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસને આવાહન કર્યું છે કે આગની ઘટના ટાળવા માટે મહારાષ્ટ્ર આગ પ્રતિબંધ અને વીજસંરક્ષક ઉપાય યોજના કાયદો 2006ની કલમ 3(1) મુજબ સોસાયટી કે ઈમારતના ભાગમાં આગને રોકવા માટેની યોજનાની જોગવાઈનો અમલ કરવાની જવાબદારી સંબંધિતોની છે. આ કાયદાની કલમ (3)ની પેટાકલમ 3 મુજબ ઈમારત અથવા ઇમારતના ભાગમાં ફાયર સેફટીના ઉપકરણો યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેનું વર્ષમાં બે વખત સર્ટિફિકેટ લેવાનું રહેશે. જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં આવું લાયસન્સ લેવાનું બધા માટે ફરજીયાત છે.
દરેક સોસાયટી કે દુકાનોના માલિકોએ લાઇસન્સ મુંબઈ મહાનગરપાલિકાની વેબસાઇટ પર અપલોડ કરવાનું રહે છે. તે સિવાય હાઈરાઈઝ ઈમારતના રહેવાસીઓએ બિલ્ડિંગમાં મુકેલા ફાયરસેફટી ઉપકરણો બરાબર કામ કરે છે કે નહીં તે સમયાંતરે જોવું જરૂરી છે. તેમજ સોસાયટીમાં બેસાડેલી રાઈઝર અને સ્પ્રિંકલર સિસ્ટમ કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ.