ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 મે 2021
સોમવાર
કોરોનાની ત્રીજી લહેર વધુ જોખમી હોવાની ચેતવણી નિષ્ણાતોએ આપી છે. એથી BMC કોઈ જોખમ લેવા માગતી નથી. અત્યારથી એણે હૉસ્પિટલમાં બેડની સંખ્યા વધારવાનું ચાલુ કરી દીધું છે તેમ જ વધુ પાંચ નવા જમ્બો સેન્ટર પણ ઊભાં કરી રહી છે. એથી વધુ 10,000 બેડ ઉપલબ્ધ થશે. ICU બેડની સાથે ઑક્સિજન સાથેના બેડ પણ વધારવામાં આવશે.
બીજી લહેર પર નિયંત્રણ મેળવામાં સફળતા મળી છે. જોકે પાલિકા ગાફેલ નહીં રહેતાં હૉસ્પિટલમાં પલંગની સંખ્યા વધારી રહી છે. ત્રીજી લહેર જોખમી હશે. રોજના 2,000થી વધુ દર્દીઓ આવશે એવો અંદાજ છે. એ સમયે 30,000 બેડની આવશ્યકતા હશે. એથી વધુ પાંચ જમ્બો સેન્ટર ઊભાં કરવાનું કામ ચાલુ છે. અત્યારે કોવિડ માટે 22,138 પલંગ છે. એમાં 11,580 ઑક્સિજન સાથેના બેડ છે, તો ICU બેડની સંખ્યા 2,880 અને 1,489 વેન્ટિલેટર સાથેના બેડ ઉપલબ્ધ છે.
ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમ હશે. એથી બાળકો માટે BMCની મુખ્ય હૉસ્પિટલમાં પણ અલગથી વૉર્ડ ઊભા કરવામાં આવી રહ્યા છે. ગોરેગામના નેસ્કો સેન્ટરમાં બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.