ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,18 જાન્યુઆરી 2022
મંગળવાર.
કોસ્ટલ રોડ અને વોટર ટનલના ખોદકામમાં નવો રેકોર્ડ બનાવ્યા બાદ હવે નવો વિક્રમ પ્રસ્થાપિત કર્યો છે. બાંદ્રા – ખાર વિસ્તારમાં સ્યુએજ લાઈ(ગટર) પરના ભારને ઘટાડવા માટે બાંદ્રા ઇનલેન્ડ ડ્રેનેજ પંપિગ સેન્ટરથી જયભારત પંપિંગ સેન્ટર સુધી 1.857 કિમીની અન્ડરગ્રાઉન્ડ ટનલનું ખોદકામ માત્ર 13 મહિનામાં પૂર્ણ કર્યું છે. તે દેશની સૌથી નાની વ્યાસની સ્યૂએજ ટનલ છે. આ ટનલ માટે માઇનિંગ ટેક્નોલોજી 'અર્થ પ્રેશર બેલેન્સ ટીબીએમ'નો પહેલી વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ બાંધકામ ચીફ એન્જિનિયર (મુંબઈ સીવરેજ પ્રોજેક્ટ) દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્રોજેક્ટ પર લોકડાઉનની કોઈ અસર થયા વગર ગટરની ટનલનું કામ ચાલુ રાખવામાં આવ્યું છે. ભવિષ્યમાં લગભગ 72 મિલિયન લિટરની ક્ષમતા સાથે ગટરના ગંદા પાણીનું વહન કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ટનલ સેગમેન્ટલ લાઇનિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહી છે. ભવિષ્યમાં આ નવી સ્યુએજ ટનલમાંથી ગંદા પાણીના પ્રવાહને ચિમ્બાઈ પંપિંગ સેન્ટર તરફ વાળવા માટે માહિમ કોઝવે જંકશન (મધર એન્ડ સન ગાર્ડન સ્ટેચ્યુ) ખાતે એક શાફ્ટ પણ બાંધવામાં આવી રહ્યો છે. 2051ની સાલને ધ્યાનમાં રાખીને આ ટનલ બનાવવામાં આવી રહી છે.
પાલિકાના અધિકારીઓના કહેવા મુજબ ટનલ પૂર્ણ થયા બાદ જય ભારત પંપિગ સ્ટેશનમાં જતું ગટરનું પાણી આ ટનલ દ્વારા બાંદ્રા ઈનલેન્ડ પંપિંગ સેન્ટર તરફ વાળવામાં આવશે. પરિણામે બાંદ્રા, ખાર વિસ્તારમાં રહેલી ગટરો પરનો ભાર ધટશે. ભવિષ્યમાં જય ભારત પંપિગ સ્ટેશન અને ચિમ્બાઈ પંપિંગ સ્ટેશન બંધ કરવામા આવવાનુ છે, તેથી આ નવી ટનલ ઉપયોગ સાબિત થશે.
અહીં ઉલ્લેખનીય છે કે આ અન્ડરગ્રાઉન્ડ ટનલનું ખોદકામ બાંદ્રા સેન્ટર ખાતે 4 ડિસેમ્બર 2020થી શરૂ કરવામાં આવ્યું હતું અને કામ 17 જાન્યુઆરી, 2022ના પૂરું કરવામાં સફળતા મળી છે. અત્યાર સુધી પ્રોજેક્ટનું 80% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. પ્રોજેક્ટની ડેડલાઈન ડિસેમ્બર 2022 છે. સ્યૂએજ ટનલની લંબાઈ 1,857 મીટરની છે અને તેનો આંતરિક વ્યાસ – 2.60 મીટરનો છે.