ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 નવેમ્બર 2021
બુધવાર.
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં છે, છતાં આગામી સમયમાં લગ્નની મોસમ હોવાથી તેમ જ ડિસેમ્બરમાં ક્રિસમસ દરમિયાન થનારી પાર્ટીઓને કારણે ભીડ થશે. તેથી કોરોના ફરી વકરે એવી શક્યતા છે. મુંબઈ મનપાએ તે માટે ખાસ તૈયારી કરી છે, જેમાં લગ્ન સમારંભ તેમ જ ડિસેમ્બરમાં હોટલ અને રેસ્ટોરાં-બાર થનારી પાર્ટીઓ પર નજર રાખવા માટે દરેક વોર્ડમાં બે વિજિલન્સ ટીમ તૈનાત કરવામાં આવવાની છે. કોરોનાને લગતા નિયમોનું ઉલ્લંઘન થયું તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે પોલીસની પણ મદદ લેવામાં આવશે.
મુંબઈમાં છેલ્લા અનેક મહિનાઓથી કોરોના નિયંત્રણમાં આવ્યો હોવાથી હાલ પૂરતું ત્રીજી લહેરનું જોખમ ટળી ગયું હોવાની શકયતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. છતાં આગામી સમયમાં લગ્ન સમારંભ, ઈયર એન્ડિંગ પાર્ટીઓમાં ભીડ થવાની શક્યતા છે. હાલ કોરોના નિયંત્રણમાં હોવાથી નિયમો હળવા કરવામાં આવ્યા છે. છતા લગ્ન સમારંભમાં 200ની હાજરી અથવા હોલની કુલ ક્ષમતાના 50 ટકા હાજરીમાં કાર્યક્રમ કરવાની શરત રાખવામાં આવી છે. જોકે છેલ્લા દોઢ વર્ષથી આકરા નિયમોનું પાલન કરનારાઓની હવે ધીરજ ખૂટી ગઈ છે અને લોકો નિયમોનું ઉલ્લંઘન કરે એવી શક્યતા છે. લોકોની બેદરકારીને કારણે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. તેથી પાલિકાએ ડિસેમ્બર માટે ખાસ યોજના બનાવી છે. તે માટે તમામ આસિસ્ટન્ટ કમિશનરોને આદેશ આપી દેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
મુંબઇની જૂની ચાલીઓના રહેવાસીઓને જાહેર શૌચલયમાંથી છૂટકારો મળશે; પાલિકાએ લીધો આ નિર્ણય; જાણો વિગતે
પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના કહેવા મુજબ લગ્ન સમારંભ તેમ જ પાર્ટીઓમાં લોકો પર નજર રાખવામાં આવશે. એ સાથે જ જો પાર્ટીમાં કોરોનાને લગતા નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું ધ્યાનમાં આવ્યું તો હોટલ-રેસ્ટોરાંનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. તેમ જ તેમને દંડ ફટકારવાની સાથે જ તેમની સામે આકરા પગલાં પણ લેવામાં આવી શકે છે.