ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 જૂન 2021
શુક્રવાર
સામન્ય રીતે કોઈ ફ્લાયઓવર બને તો ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે એવી રાહત નાગરિકો અનુભવતા હોય છે, પરંતુ બોરીવલી (વેસ્ટ)માં એસ. વી. રોડ અને આર. એમ. ભટ્ટ રોડના જંક્શન પાસે બની રહેલો ફ્લાયઓવર તો સ્થાનિક રહેવાસીઓ માટે ત્રાસજનક બની ગયો છે.
બોરીવલી (ઈસ્ટ) અને (વેસ્ટ)ને જોડનારા આ ફ્લાયઓવરમાં એક્સ્ટેન્શન લાવવાને કારણે એની કિંમત લગભગ 650 કરોડ રૂપિયા થઈ ગઈ છે. લગભગ બે વર્ષથી ફ્લાયઓવરનું કામ ચાલી રહ્યું છે. એથી એને લીધે થતા ચિક્કાર ટ્રાફિક જામ સહિતની તકલીફથી રહેવાસીઓ ત્રાસી ગયા છે. લોકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા રહેતા હોય છે.
ટ્રાફિકની સમસ્યાને કારણે રિક્ષા-ડ્રાઇવરો અને બાઇકસવારો રસ્તાને અડીને આવેલી ફૂટપાથ પરથી પોતાની ગાડી ચલાવે છે. એથી ફૂટપાથને અડીને આવેલા બિલ્ડિંગના રહેવાસીઓને ગેટની બહાર નીકળતા સમયે બાઇકની અડફેડમાં તો નહીં આવી જાય એની ચિંતામાં રહેતા હોય છે.