બોરીવલી પશ્ચિમ માં આવેલી શેઠ એમ કે હાઇસ્કુલ ની આઇકોનિક બિલ્ડીંગ આખરે તોડી પડાવા માં આવી છે. આ ઈમારત અનેક વિદ્યાર્થી અને બોરીવલી એજ્યુકેશન સોસાયટી સાથે સંકળાયેલા લોકો માટે લાગણીશીલ જગ્યા હતી. લગભગ ૧૯૬૦ અને ૧૯૬૨ દરમિયાન આ શાળાની ઇમારત બનાવવામાં આવી હતી જેને શેઠ મુળજી કરસન હાઇસ્કુલ નામ આપવામાં આવ્યું હતું. આ શાળામાં ગુજરાતી માધ્યમિક ભાષામાં શિક્ષણ આપવામાં આવતું હતું. જે તે સમયે આ ઇમારતમાં અભ્યાસ કરવો એ વિદ્યાર્થીઓ માટે એક ગર્વ લેવા સમાન વાત હતી. આ શાળામાં અત્યાર સુધી ૧૨ હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં ભણી ચૂક્યા છે. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ એ જાહેરજીવન, પ્રોફેશન તેમજ વ્યવસાયિક રીતે સમાજમાં કાઠું કાઢ્યું છે. આ શાળામાં થી પાસ થયેલા વિદ્યાર્થીઓ માં અનેક વિદ્યાર્થી બિલ્ડર, રાજનૈતિક પાર્ટી માં પદાધિકારી તેમજ નગરસેવક, નામવંત પત્રકાર, સનદી અધિકારી, અભિનેતા તેમજ વિદેશમાં મલ્ટીનેશનલ કંપની અને વેપારમાં ઊંચાઇઓ પર પહોંચ્યા છે. આ નામોની સૂચિ ઘણી લાંબી છે.
આવા જ એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આઈએએસ ઓફિસર અને હાલ જાપાનની એમ્બેસીમાં કાર્યરત મોના ખંધાર એ જણાવ્યું કે શેઠ એમ કે હાઈસ્કૂલ ની ઈમારત એક ઈટ અને સિમેન્ટ નું ચણતર નહોતું પરંતુ સાક્ષાત વિદ્યાનું મંદિર હતું. આ શાળાની સૌથી મોટી ખાસિયત એ હતી કે 1960 જેવા સમયે પણ વિદ્યાર્થીઓની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઇમારત બનાવવામાં આવી હતી. આ ઇમારતમાં પ્રયોગશાળા, નાટ્યગૃહ, રમતનું મેદાન, સરસ મજાની લોબી, વિશાળ ક્લાસરૂમ, વૃક્ષો, કુવો અને એક કરિશ્મા જનક દેખાવ હતો.આ ઇમારતમાં જે વિદ્યાર્થીને ભણવાની ઈચ્છા હોય તેની માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હતી.મારી માટે આ ઇમારત જ્ઞાનના મંદિર થી ઓછું નથી અને મારા વ્યક્તિગત જીવનમાં તેનું અનેરું સ્થાન છે.
આ શાળામાં શિક્ષક તરીકે કાર્યરત અને રિટાયર થયેલા અમૃતલાલ પટેલે જણાવ્યું કે હું આ શાળામાં ગણિત અને વિજ્ઞાન વિષય ભણાવતો હતો. મારા હાથ નીચે અસંખ્ય વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને તેઓ એક સારું સામાજિક જીવન વિતાવી રહ્યા છે. જ્યારે આ ઈમારતનો જમીન દોસ્ત હતો વીડિયો જોયો ત્યારે હું મારા આંસુઓને રોકી શક્યો નહોતો. મારી જેમ જ અન્ય શિક્ષકો પણ લાગણીશીલ બની ગયા હતા. આ ઇમારત માં અમે આખું આયુષ્ય વિતાવ્યું.
ઉલ્લેખનીય છે કે આશરે ૬૦ થી વધુ વર્ષ જૂનું શાળાનું મકાન ઘણું જ નબળું થઈ ગયું હતું. ઘણી વખત એવો ભય સેવવામાં આવી રહ્યો હતો કે ક્યાંક કોઈ હોનારત ન થઈ જાય. હાલ આ ઇમારતમાં કોલેજ ચાલી રહી હતી.ઇમારતને જ્યારે તોડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે ગણતરીના કલાકોમાં જ આખું બિલ્ડીંગ જમીનદોસ્ત થઈ ગયું.
હવે પ્રશ્ન પૂછાઇ રહ્યો છે કે આ જગ્યાએ શું બનશે? અનેક વિદ્યાર્થીઓ, પાલકો તેમજ સ્થાનિક લોકો ની ભાવનાઓ આ જગ્યા સાથે જોડાયેલી છે. આ સંદર્ભે વિગત આપતાં બોરીવલી એજ્યુકેશન સોસાયટીના જનરલ સેક્રેટરી યાજ્ઞિક એ જણાવ્યું હતું કે અહીં બે સાતમાળ ઊંચી ઇમારત બનવાની છે. ઇમારતનો લુક હેરિટેજ હશે. વિદ્યાર્થીઓ માટે આ ઇમારતમાં તમામ વ્યવસ્થા હશે. આવનાર દિવસોમાં આ ઈમારતના કનસ્ટ્રક્શન માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે તેમ જ બે વર્ષની અંદર નવી ઇમારત બનીને તૈયાર થશે. અહીં શૈક્ષણિક કોલેજ તેમજ સીબીએસસી શાળા અને ઇન્સ્ટિટ્યૂટ ની અન્ય શૈક્ષણિક ગતિવિધિઓ થશે.
આમ શેઠ એમ કે હાઇસ્કૂલ ની ઈમારત હવે લોકોની સ્મૃતિઓમાં રહેશે. ફોટોગ્રાફ અને વીડિયો માધ્યમથી લોકો પોતાના ભૂતકાળની યાદોને વાગોળી શકશે.