ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૯ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
મુંબઈના બોરીવલી વિસ્તારમાં ગઈ કાલે રાત્રે સનસનાટી ફેલાઈ ગઈ હતી. રામ મંદિર સિગ્નલ પર એક વ્યંડળ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. તીક્ષ્ણ ધારદાર હથિયારથી હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ વ્યંડળ સમાજના લોકોએ નગ્ન-અવસ્થામાં વિરોધ કરી રસ્તો જામ કર્યો હતો. ઘટનાસ્થળે MHB પોલીસ અધિકારી અને DCP વિશાલ ઠાકુરે લોકોને સમજાવી કડક કાર્યવાહીની ખાતરી આપી લોકોને શાંત પાડ્યા હતા.
આ કિન્નરને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં લઈજવામાં આવ્યો હતો, ત્યારે તપાસ કરતાં ડૉક્ટરે કિન્નરને મૃત જાહેર કર્યો હતો. આ કેસમાં પોલીસે બે લોકોની અટકાયત કરી પૂછપરછ કરી રહી છે. હકીકતમાં, પૈસાને લઈને વ્યંડળોનાં બંને જૂથો વચ્ચે કોઈ પ્રકારનો વિવાદ ચાલી રહ્યો હતો. પૈસા અંગેના વિવાદને કારણે બંને જૂથો વચ્ચે ઝઘડો થયો હતો.
ઉલ્લેખનીય છે કે લગભગ ૧૦ દિવસ પહેલાં બોરીવલીમાં ધોળે દિવસે એક ટોળાએ વકીલ પર તલવાર દ્વારા હુમલો કર્યો હતો. હવે આ વિસ્તારમાં સતત વધી રહેલા ગુના અને કાયદોવ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઍડિશનલ પોલીસ કમિશનર દિલીપ સાવંતે MHB પોલીસ સ્ટેશનના સિનિયર PI પી.જી. યેલને સસ્પેન્ડ કરી દીધા છે.