ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 મે 2021
ગુરુવાર
એક તરફ મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ગતિએ નિયંત્રણમાં આવી રહ્યો હોવાનો સરકાર દાવો કરી રહી છે, પણ બીજી તરફ જીવલેણ મ્યુકરમાયકોસિસના કેસમાં ઝડપી વધારો થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે.
હાલ મહારાષ્ટ્રમાં 850 ઍક્ટિવ કેસ છે. આ રોગ પોતાનું વધુ આક્રમક રૂપ બતાવે એ પહેલાં એને રોકવો ખૂબ આવશ્યક છે. એ માટે આવશ્યક ગણાતા મ્યુકરમાયસોસિસ માટેનાં બે લાખ ઇન્જેક્શન મહારાષ્ટ્ર સરકાર ખરીદવાની છે. જોકે ઇન્જેક્શન 31 મે પછી ઉપલબ્ધ થવાની શક્યતા છે. આ ઇન્જેક્શન મોડાં મળવાનાં હોવાથી રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ આગામી દસ દિવસ મહારાષ્ટ્ર માટે બહુ મહત્ત્વના ગણાવ્યા છે અને નાગરિકોને એલર્ટ રહેવાની ચેતવણી આપી છે.
અહીં ઉલ્લેખનીય છે કે મ્યુકરમાયકોસિસના ઇન્જેક્શન મહારાષ્ટ્રમાં જ બનાવવા પર સરકાર ફોકસ કરી રહી છે. એ માટે આવશ્યક કાચા માલનો પુરવઠો પૂરો પાડવાની ખાનગી કંપનીએ તૈયારી બતાવી છે. આગામી દસ દિવસ બહુ મહત્ત્વના હોવાથી ઇન્જેક્શન અને આવશ્યક દવાનો પુરવઠો સમયસર મળી રહે એ માટે કેન્દ્ર સરકારે પણ ઇન્જેક્શન માટે મદદ કરવી જોઈએ એવું આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.