News Continuous Bureau | Mumbai
CBI Mumbai :સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને સાયબર ક્રાઈમ સિન્ડિકેટ વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે. સીબીઆઈએ મુંબઈના રહીશ અને આ નેટવર્કના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. આ વ્યક્તિ નિર્દોષ ભારતીય નાગરિકોને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં આકર્ષક નોકરીની લાલચ આપીને મ્યાનમારના સાયબર સ્કેમ કમ્પાઉન્ડમાં ‘સાયબર ગુલામ’ તરીકે ધકેલી દેતો હોવાનો ગંભીર આક્ષેપ છે. સીબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદન મુજબ, આ સિન્ડિકેટ ભારતીય યુવાનોને થાઈલેન્ડમાં આઈટી કે ડેટા એન્ટ્રી જેવી ઊંચા પગારવાળી નોકરીઓની લાલચ આપતી હતી. પીડિતોને પહેલા દિલ્હીથી બેંગકોક લઈ જવામાં આવતા અને ત્યાંથી છૂપી રીતે મ્યાનમારના મ્યાવડી જેવા અત્યંત જોખમી સાયબર સ્કેમ સેન્ટરોમાં મોકલી દેવાતા હતા.
ભારતીય યુવાનોને બંધક બનાવી અપાતો હતો ત્રાસ
ત્યાં પહોંચ્યા પછી ભારતીય નાગરિકોને બંધક બનાવી લેવામાં આવતા અને તેમની હિલચાલ પર કડક પ્રતિબંધ લાદવામાં આવતો હતો. જો તેઓ કામ કરવાની ના પાડે તો તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સ્કેમ સેન્ટરોમાં ભારતીયો પાસે આખી દુનિયાના લોકો સાથે ‘ડિજિટલ અરેસ્ટ’, ‘રોમાન્સ ફ્રોડ’ અને ‘ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ’ જેવા સાયબર ગુનાઓ કરાવવામાં આવતા હતા.
આ સમાચાર પણ વાંચો: No Lockdown in India:શું દેશમાં ફરી લાગશે લોકડાઉન? ઈરાન યુદ્ધ અને પેટ્રોલના ભાવ ઘટ્યા બાદ સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ, સરકારે કરી મોટી સ્પષ્ટતા.
વર્ષ 2025 માં પરત ફરેલા પીડિતોએ ખોલ્યા રહસ્યો
વર્ષ 2025 દરમિયાન આ નરકમાંથી ભાગી છૂટેલા અને ભારત પરત ફરેલા કેટલાક નાગરિકોની પૂછપરછમાં આ આખા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો હતો. સીબીઆઈએ આ મુખ્ય સૂત્રધાર પર લાંબા સમય સુધી નજર રાખી હતી. જેવો તે તાજેતરમાં ભારત પરત ફર્યો, સીબીઆઈએ મુંબઈથી તેની ધરપકડ કરી લીધી છે.
દરોડામાં મળ્યા વાંધાજનક પુરાવા
આરોપીના રહેણાંક સ્થળે દરોડા પાડતા મ્યાનમાર અને કંબોડિયામાં ચાલતા ટ્રાફિકિંગ ઓપરેશન સાથે જોડાયેલા અનેક વાંધાજનક ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. સીબીઆઈ હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય વિદેશી નાગરિકો અને સહયોગીઓની શોધખોળ કરી રહી છે જેથી આ આંતરરાષ્ટ્રીય ગેંગને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી શકાય.