ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧
શુક્રવાર
સેન્ટ્રલ રેલવેએ મુંબઈની લોકલ સેવાઓ અંગે પ્રવાસીઓને ફરી એક નવો પ્રશ્ન પૂછ્યો છે. લોકલ સેવાઓ શરૂ કરવા અંગે મુસાફરોનો પ્રતિસાદ મેળવવા માટે રેલવેએ ઑનલાઇન સર્વેક્ષણ હાથ ધર્યું છે. સર્વેના ભાગ રૂપે સેન્ટ્રલ રેલવેએ ટ્વિટર પર પ્રશ્નોના સમૂહને સૂચિબદ્ધ કર્યો છે – જે સેવાઓ પરિવર્તનનો આધાર બનાવશે. ગૂગલ ફૉર્મની લિન્કને ટ્વીટ કરીને, સેન્ટ્રલ રેલવેએ મુસાફરોને તેમના અભિપ્રાય શૅર કરવા જણાવ્યું છે. પ્રશ્નો અંગ્રેજી અને મરાઠી બંનેમાં મુકાયા છે.
સેન્ટ્રલ રેલવેએ પૂછ્યું કે તેઓ એકંદરે કઈ રીતે મુસાફરી કરે છે?રેલવે દ્વારા અથવા રોડ દ્વારા અને તેઓ કયા વર્ગમાં મુસાફરી કરે છે. ટિકિટના ભાવ અને ભાડા અંગે મુસાફરોનો અભિપ્રાય પણ માગવામાં આવ્યો છે. ગૂગલશીટમાં મુસાફરો પાસે તેમની પસંદગીના મુસાફરીના રૂટ પસંદ કરવાનો વિકલ્પ છે. તેઓ એકથી વધુ માર્ગો પસંદ કરી શકે છે. ચર્ચગેટ-વિરાર-ચર્ચગેટ, વિરાર-દહાણુ રોડ-વિરાર, અંધેરી-વિરાર-અંધેરી, ચર્ચગેટ-દહાણુ રોડ-ચર્ચગેટ, સીએસએમટી-કર્જત-સીએસએમટી, સીએસએમટી-કસારા-સીએસએમટી, સીએસએમટી-કલ્યાણ-સીએસએમટી, સીએસએમટી-થાણે-સીએસએમટી, સીએસએમટી-પનવેલ-સીએસએમટી, સીએસએમટી-બેલાપુર-સીએસએમટી અને થાણે-પનવેલ–થાણે.
અહીં ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે હમણાંથી જ સ્પષ્ટ કરી દીધું છે કે મુંબઈની લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે ટૂંક સમયમાં ખોલવામાં આવશે નહીં, કારણ કે કોરોના વાયરસના કેસ ઘટ્યા જરૂર છે, પણ હજી ખતરો ટળ્યો નથી. હાલમાંરસીકરણ અથવા હૉસ્પિટલ માટે મુસાફરી કરી રહેલા આવશ્યક સેવામાં કર્મચારીઓ અને નાગરિકો માટે લોકલ ટ્રેન સેવાઓ કાર્યરત છે.