ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
26 જાન્યુઆરી 2021
મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોમ્બે હાઈકોર્ટની જણાવવામાં આવ્યું હતું કે એક નિશ્ચિત સમયગાળામાં મહારાષ્ટ્ર સરકાર નક્કી કરશે કે લોકલ ટ્રેન સામાન્ય લોકો માટે ક્યારે શરૂ કરવામાં આવે.આ માટે એક મિટિંગ યોજવામાં આવશે તેવી વાત રાજ્ય સરકારના વકીલે જજને કહી હતી. હવે આ મીટીંગ મંત્રાલયમાં યોજાઈ છે.
આ બેઠકમાં અધ્યક્ષ સ્થાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હતા. જ્યારે કે મુખ્ય સચિવ સંજય પુમાર, મુખ્યમંત્રીના સલાહકાર અજોય મહેતા, મુખ્યમંત્રીના મુખ્ય સચિવ આશિષ કુમાર સિંહ, મુંબઈ પોલીસના કમિશનર પરમવીર સિંહ, પ્રધાન સચિવ વિકાસ ખારગે, મુંબઈ મહાનગરપાલિકાના આયુક્ત ઈકબાલ સિંહ ચહલ હાજર હતા.
આ બેઠકમાં લોકલ ટ્રેન ક્યારે શરુ કરવી તે સંદર્ભે કલાકો સુધી બેઠક થઈ અને ત્યાર બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું કે લોકલ ટ્રેન સામાન્ય માણસ માટે શરૂ કરવા સંદર્ભે રાજ્ય સરકાર ઝડપથી નિર્ણય લેવા ઇચ્છે છે. પરંતુ રાજ્ય સરકારની મુસીબત એ છે કે કોરોના નો પ્રભાવ પૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. બીજી તરફ રાજ્ય સરકાર એવું ઈચ્છે છે કે લોકો સુરક્ષિત અંતર રાખીને ટ્રેનમાં પ્રવાસ કરે. જોકે આ રીતે પ્રવાસ કરવા માટે શી યંત્રણા ગોઠવવામાં આવે તે સંદર્ભે પ્રશાસન અવઢવમાં છે. આથી લોકો સુરક્ષિત અંતર સાથે ટ્રેનમાં પ્રવાસ કરે તેવી વ્યવસ્થા કેળવાયા અને શોધાયા પછી જ લોકલ ટ્રેનમાં સામાન્ય માણસને પ્રવેશ અપાશે.
આનો સીધો અર્થ એ થાય છે કે રાજ્ય સરકાર ટ્રેન શરૂ કરવા માગે છે પરંતુ કોરોના થી ડરે છે. આ પરિસ્થિતિમાં હવે આશ્વાસનો એટલા વધી ગયા છે કે ખરેખર ટ્રેન ક્યારે શરૂ થશે તે સંદર્ભે કશું કહેવું મુશ્કેલ છે.
