ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઓક્ટોબર, 2021
ગુરુવાર
વિદેશમાં કોરોનાની રસી લીધેલા મુંબઈવાસીઓને પરત ફર્યા બાદ લોકલ ટ્રેનનો પાસ મળવામાં મુશ્કેલી થઈ રહી છે. બોરીવલીના એક દંપતિને કેલિફોર્નિયાથી પાછા ફર્યા બાદ લોકલ ટ્રેનનો પાસ આપવાનું નકારવામાં આવ્યું. કારણકે તેમના રસીકરણનું સ્ટેટસ કોવિડ પોર્ટલ પર દેખાતું ન હતું.
૬૫ વર્ષના એન્જેલા ફર્નાન્ડિઝ અને તેમના પતિ વર્ષ ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં તેમના દીકરા પાસે અમેરિકા ગયા હતા. કોરોનાને લીધે દેશમાં લોકડાઉન લાગુ થવાથી તેઓ પાછા આવી ન શક્યા. ત્યારબાદ માર્ચ 2021માં રસી લઈને જ પાછા ફર્યા હતા.
આ દંપતિએ જણાવ્યુ હતું કે ભારતમાં ફર્યા બાદ તેમણે સપ્ટેમ્બરમાં રેલ્વેનો પાસ મેળવવાનો પ્રયત્ન કર્યો પણ તેમને કહેવામાં આવ્યું કે વર્તમાન નિયમો મુજબ કો-વિન પોર્ટલ પર પૂર્ણ રસીકરણ સર્ટિફિકેટ હશે તેને જ પાસ મળશે. એન્જેલા ફર્નાન્ડીઝને વડાલાની હોસ્પિટલમાં નિયમિત મેડિકલ સારવાર માટે જવાનું હોય છે. જેના માટે તેમણે ઉબર કે ઓલા કરવી પડે છે.
રેલવેના મુખ્ય PRO સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે રેલ્વે ત્યારે જ પાસ આપી શકે જ્યારે મહાનગરપાલિકાની મંજૂરી હોય. પાલિકાના એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર ડૉ. મંગલા ગોમારે જણાવ્યું હતું કે બીએમસીએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે આવા કેસ માટે સતત સંપર્ક કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અમે વિનંતી કરી છે કે આવા કેસમાં લોકલ ઓથોરિટી દ્વારા પ્રમાણપત્ર મળે અથવા વિદેશમાં રસી લીધેલાની એન્ટ્રી કોવિનમાં કરી શકાય આ બાબતે સકારાત્મક નિર્ણય બહુ જલદી લેવામાં આવશે.
