ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧
શનિવાર
સરકારે હવે રૅશનકાર્ડ અને અનાજ વિતરણ સંબંધિત ફરિયાદોને ગંભીરતાથી લઈ આ અંગે ફરિયાદો માટે હેલ્પલાઇનની વ્યવસ્થા કરી છે. આ મામલે મુંબઈ-થાણે રૅશનકાર્ડ વહેચણી યંત્રણામાં અમુક ફરિયાદો મળતાં આ પગલું લેવાયું છે. મુંબઈ-થાણે રૅશનકાર્ડ વહેચણી યંત્રણા ૧ એપ્રિલ, ૨૦૨૧થી ૩૦ જૂન, ૨૦૨૧ના સમય દરમિયાન સાર્વજનિક ફરિયાદ નિવારણ અંગે કુલ ૨૭૭ ફરિયાદ મળી હતી.
જોકેઆમાંની ૨૩૫ ફરિયાદોનું નિરાકરણ થઈ ગયું છે. સાર્વજનિક વિતરણ વ્યવસ્થામાં પારદર્શકતા લાવવાના હેતુસર સરકારે અલગથી www.mahafood.gov.in અને સાર્વજનિક વિતરણ વ્યવસ્થા ફરિયાદ નિવારણ માટે ટૉલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૨-૪૯૫૦/૧૯૬૭ ઉપરાંત helpline.mhpds@gov.in ઈ-મેઇલ આઇડી પણ જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે દરેક પરપ્રાંતીય મજૂર લાભાર્થીઓને વન નૅશન, વન રૅશનકાર્ડ યોજના અંતર્ગત કાર્ડ સ્થળાંતર કરવાની પણ સુવિધા આપવામાં આવી છે. આ અંગેની ફરિયાદ માટે હેલ્પલાઇન ક્રમાંક ૧૪૪૪૫ જાહેર કરાયો છે. મુંબઈ-થાણેની ફરિયાદ અથવા જાણકારી માટે ૦૨૨-૨૨૮૫૨૮૪૧ અને ઈ-મેઇલ dycor.ho-mum@gov.in ઉપલબ્ધ કરાવ્યા છે.