ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર, 2021
ગુરુવાર
ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિક જામથી મુંબઈવાસીઓ પરેશાન રહે છે. હવે આ રોડ પર વાહનચાલકોના વાહનો પૂરવેગે દોડશે. MMRDAએ આ બંને હાઈવે પર કોંક્રિટ રોડ બનાવવાની યોજના બનાવી છે. આ રોડ બે લેનનો હશે. હાઈવેના જમણા છેડે આવેલા રસ્તાઓ પર આ કોંક્રીટના રસ્તાઓ બનાવવામાં આવશે, જેથી ફાસ્ટ લાઈનના રસ્તાઓ ખાડા મુક્ત થઈ શકે. એવું માનવામાં આવે છે કે વર્ષ 2025 સુધીમાં કોંક્રીટના રસ્તાઓ તૈયાર થઈ જશે.
મીડિયાના અહેવાલ અનુસાર MMRDA વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બાંદ્રાના કલાનગરથી દહિસર સુધીના 25 કિમી અને સાયન સર્કલથી મુલુંડ સુધીના 18 કિમી માટે કોંક્રિટના રસ્તાઓ બનાવશે. MMRDAના મેટ્રોપોલિટન કમિશનર એસવીઆર શ્રીનિવાસે મીડિયાને જણાવ્યું હતું કે સિમેન્ટ-કોંક્રિટના રસ્તાઓ બે લેન, જમણી બાજુ અને મધ્યમ લેન પર બનાવાશે. આનાથી રસ્તાઓનું આયુષ્ય વધવાની સાથે સાથે ખાડા અને ખરાબ રસ્તાની સમસ્યા પણ દૂર થશે.
રોડ કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોના મીડિયાને જણાવ્યા પ્રમાણે સિમેન્ટ-કોંક્રિટ નાખવાનો અંદાજિત ખર્ચ પ્રતિ ચો.મી. દીઠ રૂ. 5,000થી 7,000 છે. જ્યારે ડામર રોડનો ખર્ચ રૂ. 2,000 થી રૂ. 3,000 પ્રતિ ચો.મી. છે. તેમજ સિમેન્ટ-કોંક્રીટ રોડનું આયુષ્ય ગુણવત્તાના આધારે 15 વર્ષ કે તેથી વધુ છે. જ્યારે ડામર રોડનું આયુષ્ય 5થી 7 વર્ષ છે. કોંક્રિટ રોડ કરતાં ડામર રોડ વધુ ટાયર ફ્રેન્ડલી છે.
પ્રાપ્ત માહિતી મુજબ MMRDAએ રૂ.100 કરોડના ખર્ચે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેનું નવીનીકરણ શરૂ કર્યું છે. હાઈવેના રસ્તાઓ અસમાન છે, જેમાં નબળી સાઈનેજ, ગાયબ થયેલા અવરોધકો અને વાહનચાલકો માટે રસ્તાઓની નબળી દૃશ્યતા છે. જેના કારણે વાહનચાલકોને ઘણી અસુવિધા થાય છે. આ ઉપરાંત હાઇવેના કિનારે પણ વૃક્ષારોપણ કરવામાં આવશે.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર 750 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જ્યારે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર 300 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની ધારણા છે. આ રીતે, બંને પર કુલ ખર્ચ 1,050 રૂપિયા થવાનો અંદાજ છે. ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે અને માર્ચ 2022માં કામ શરૂ થવાની અપેક્ષા છે. રોડ બનાવવાનું કામ 2 વર્ષમાં પૂર્ણ થઈ શકે છે.