ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આગામી વર્ષે યોજાઈ રહી છે. ચૂંટણીને ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે જ કોંગ્રેસમાં ભંગાણ પડવાનું ચાલુ થઈ ગયું છે. કોંગ્રેસની અંધેરી(પૂર્વ)ની વોર્ડ નંબર 86ની નગરસેવિકા સુષ્મા કમલેશ રાયે કોંગ્રેસ સાથે છેડો ફાડીને શિવસેનામાં જોડાવાની જાહેરાત કરી છે.
મુંબઈ મહાનગરપાલિકામાંથી વિધાન પરિષદની બે બેઠકની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી હતી. તેથી સુષમા કમલેશ રાયને શિવસેનામા જોડાવવા માટે રાહ જોવી પડી હતી. સુષ્મા રાયના પતિ કમલેશ રાય પહેલા જ શિવસેનામાં જોડાઈ ચૂકયા છે.
કમલેશ રાય સંજય નિરુપમની નજીકના માણસ ગણાય છે. સંજય નિરુપમ શિવસેના છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. તેની સાથે જ કમલેશ રાય પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. જોકે બાદમાં બંને વચ્ચે સંબધોમાં ખટરાગ નિર્માણ થયો હતો. તેથી કમલેશ પાછા શિવસેનામાં જોડાઈ ગયા હતા. હવે તેમની નગરસેવિકા પત્ની સુષ્મા રાય પણ શિવસેનામાં જોડાઈ રહી છે.
આ દરમિયાન સૂત્રોના કહેવા મુજબ કોંગ્રેસના અનેક નગરસેવકોનો પાર્ટીથી મોહભંગ થઈ ચૂકયો છે. કોંગ્રસમાં વધારે કરીને મુસ્લિમ નગરસેવક છે, તેમને પાલિકાની જુદી જુદી બેઠકમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. તેથી તેઓ પક્ષની નારાજ હોવાનું સંભળાય છે.
કોંગ્રેસ રાજ્યમા મહાવિકાસ આઘાડી સરકારમાં જોડાઈ ગઈ છે છતાં બીજી પાર્ટીઓના નેતાઓને પોતાના પક્ષમાં ખેંચી લાવવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે. મુંબઈમાં એક સમયે 11 વિધાનસભ્યો અને 72 નગરસેવકો ધરાવતી કોંગ્રેસનું જોર હવે ઘટી ગયું છે. હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ કોંગ્રેસને હજી ફટકો પડે એવું માનવામાં આવે છે.