ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જૂન 2021
શુક્રવાર
ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબે નહીં એ માટે BMC કરોડો રૂપિયા ખર્ચીને નાળાં સફાઈનાં કામ કરતી હોય છે. આ વર્ષે મુંબઈની ગટરો અને નાળાંઓ પાછળ 70 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. છતાં ગટરો અને નાળાં કચરાથી ભરેલાં હોવાથી આ વર્ષે પણ મુંબઈગરાના ઘરમાં ચોમાસામાં પાણી ભરાશે એવો આરોપ મુંબઈ કૉન્ગ્રેસે કર્યો છે.
મુંબઈમાં 31 મે સુધીમાં તમામ ગટર અને નાળાંઓની સફાઈ કરી દેવામાં આવી હોવાનો મુંબઈ મનપા પ્રશાસને દાવો કર્યો હતો. જોકે ભાજપ અને ત્યાર બાદ પાલિકાના વિરોધ પક્ષ કૉન્ગ્રેસે મુંબઈનાં નાળાંઓની વિઝિટ કરી હતી અને નાળાંઓ હજી પણ કચરાથી ભરેલાં હોવાનો આરોપ કર્યો છે.
કૉન્ગ્રેસે પાલિકાના 100 ટકા નાળાસફાઈના દાવાને મુંબઈગરા સાથેની છેતરપિંડી ગણાવી હતી. પાલિકાના અધિકારીઓ કૉન્ટ્રૅક્ટર સાથે મળીને નાળાસફાઈનાં કામમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો આરોપ પણ મુંબઈ કૉન્ગ્રેસે કર્યો હતો. મુંબઈ કૉન્ગ્રેસના પ્રમુખ ભાઈ જગતાપે પાલિકાના વિરોધ પક્ષના નેતા રવિ રાજા સાથે ગુરુવારે મુંબઈનાં નાળાંઓની વિઝિટ કરી હતી. જેમાં ધારાવી 90 ફૂટ રસ્તા પર રહેલા કામરાજ ચોક બાજુનું નાળું, ગોવંડી શિવાજી નગર, બોરીવલી–ગોરાઈ નાળુ, કાંદિવલી (પશ્ચિમ)ના લાલજીપાડામાં આવેલા નાળાંઓનો સમાવેશ થાય છે.
નાળાંઓની મુલાકાત બાદ ભાઈ જગતાપે કહ્યું હતું કે નાળાની સફાઈ પાછળ ખર્ચવામાં આવેલા કરોડો રૂપિયા પાણીમાં ડૂબી જવાના છે. મોટા ભાગના નાળાંની સફાઈ થઈ જ નથી. જ્યાં નાળાં સાફ કરવામાં આવ્યાં છે એનો કચરો એની બહાર જ પડી રહ્યો છે. એ ઉપાડયો નહીં તો વરસાદમાં ફરી પાછો નાળામાં જતો રહેશે. નાળાસફાઈમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે.
