ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑક્ટોબર, 2021
ગુરુવાર
કોરોનાની ત્રીજી લહેર નહીં આવે એમ કહીને હાલમાં જ પાલિકાએ મુંબઈગરાને નિશ્ચિંત કર્યા હતા, ત્યારે કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. અંધેરી, મુલુંડ, માટુંગા, ભાંડુપ, કાંદિવલીમાંથી સૌથી વધુ કોરોનાના દર્દીઓ નોંધાયા છે.
કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાથી અંધેરીમાં સૌથી વધુ ઇમારતોના 237 ફ્લોર સીલ કરવામાં આવ્યા છે. બુધવારે મુંબઈમાં 629 નવા દર્દીઓ મળ્યા અને 7 કોરોના દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. પાલિકાના 24 વૉર્ડમાંથી બુધવારે એફ વૉર્ડમાં સૌથી વધુ કોરોના દર્દીઓ નોંધાયા છે.
શાળાઓ તો ખૂલી પણ વિદ્યાર્થીઓ ક્યાં? મુંબઈમાં આટલા લાખ વિદ્યાર્થીઓ ગાયબ ; જાણો વિગત
પાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે ગત કેટલાંક સપ્તાહથી આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે સોમવારે દર્દીઓ ઘટી જાય છે અને બુધવારે દર્દીઓ વધી જાય છે. છ ઑક્ટોબરના રોજ દર્દીઓની સંખ્યા અન્ય દિવસની સરખામણીએ અધિક હતી. અમે આગામી ત્રણ દિવસ સુધી આ વાત ઉપર ધ્યાન રાખવાના છીએ. અમારી પાસે પર્યાપ્ત સુવિધાઓ છે. દર્દીઓ વધશે તો પણ કોઈ તકલીફ નહીં પડે. દરેકનો ઇલાજ થઈ શકશે.