ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મુંબઈનાં બગીચા તથા મેદાનોની જાળવણી માટે રાખવામાં આવેલા કૉન્ટ્રૅક્ટરોની મુદત ચાર મહિના પહેલાં જ પૂરી થઈ છે. છતાં હજી સુધી કોઈ નવા કૉન્ટ્રૅક્ટર નિમાયા નથી. મુંબઈ મહાનગરપાલિકાએ એ માટે બહાર પાડેલા ટેન્ડરમાં કૉન્ટ્રૅક્ટરોએ અંદાજે 40 ટકા ઓછા દરે ટેન્ડર ભર્યાં છે. એથી પાલિકા પ્રશાસન ફરીથી ટેન્ડર બહાર પાડવાનો વિચાર કરી રહી છે. જોકે નગરસેવકોને મેદાન અને બગીચા કરતાં તેમની પોતાની ચિંતા વધારે થઈ રહી છે. આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે, ત્યારે બગીચા તથા મેદાનોની જાળવણી અને તેના સંભાળ રાખવાના કામમાં પ્રશાસન તરફથી બેદરકારી દાખવવામાં આવી રહી છે. એથી નગરસેવકોએ નાગરિકોના રોષના ભોગ બનવું પડી રહ્યું છે. ચૂંટણીના સમયમાં પોતાની વોટબૅન્કની નારાજગી નગરસેવકોને ડરાવી રહી છે. એથી રઘવાયા બનેલા નગરસેવકો બગીચા-મેદાનની સંભાળ માટે તાત્કાલિક ધોરણે કૉન્ટ્રૅક્ટર નીમવાની માગણી પ્રશાસનને કરી રહ્યા છે.