ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 ઓક્ટોબર 2020
દેશમાં અચાનક કોરોના નામની મહામારી ફાટી નીકળતા યાર્ડમા ઉભેલી રેલ્વે ટ્રેનના કોચને આઇસોલેશન વોર્ડમાં ફેરવવામાં આવ્યાં હતાં. કોચને ક્વોરેન્ટાઇન સેન્ટરોમાં રૂપાંતરિત કરવાની રેલ્વેની પહેલ પ્રશંસનીય હતી, પરંતુ તેને વધુ સારી રીતે આયોજન અને અમલીકરણની જરૂર હતી. વિવિધ રાજ્યોમાં જરૂરી કવોરેન્ટાઇન બેડ અને ડોક્ટરોની સંખ્યા શોધવા માટે પહેલા સર્વે થવું જોઈતુ હતું. રાજ્યો પણ, આ કોચને અપૂરતા પલંગ ધરાવતા શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં મૂકીને આનો વધુ સારી રીતે ઉપયોગ કરી શક્યા હોત. આ ભંડોળનો ઉપયોગ તબીબી સહાય આપવા અથવા રેલ્વેની જમીન પર હોસ્પિટલો બનાવવા માટે થઈ શકતો હતો. કારણકે એક એક કોચ પાછળ સરકાર ને 2 લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડ્યો છે. એમ એક RTI દ્વારા જાણવા મળ્યું છે.
આ બાબતે રેલ્વે એ કહ્યું હતું કે તે કોચના દર્દીઓ માટે, તેની જાળવણી માટે, ખોરાક, બેડ અને કર્મચારીઓ માટે PPE કીટ માટે કુલ મળીને આઇસોલેશન કોચ દીઠ અંદાજે 2 લાખ રૂપિયા ખર્ચ કરે છે . રેલવે બોર્ડના અધ્યક્ષ વી.કે. યાદવે કહ્યું કે આ 5,213 કોચ માટે રેલવેનો અંદાજપત્રીય અંદાજ છે, તેના માટેના નાણાં પહેલાથી જ કેન્દ્રીય કોવિડ કેર ફંડમાંથી પ્રાપ્ત થઈ ચૂક્યા છે. કોવિડ19 ફંડમાંથી રેલવે મંત્રાલયને અત્યાર સુધીમાં 620 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.