ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
કોરોના કાળમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ (MMRDA)એ મુંલુંડ અને દહિસરમાં જંબો કોવિડ કેર સેન્ટર ઊભા કરી આપતા તેને ચારોતરફથી શાબ્બાસી મેળવી હતી. જોકે હવે જ જંબો કેર સેન્ટર મુંબઈ મહાનગરપાલિકા માટે ધોળો હાથી સાબિત થયા છે.
કોવિડ સેન્ટરમાં રહેલા બેડ પાછળ MMRDAએ નક્કી કરેલી રકમ પાલિકાને ચૂકવવી પડી રહી છે. બંને ઠેકાણે રહેલા કોવિડ સેન્ટર માટે એક મહિનાનું ભાડું સાત કરોડ રૂપિયા છે. તો એક પંલગ પાછળ દરરોજ હજારથી બારસો રૂપિયાનો ખર્ચ MMRDA કોન્ટ્રેક્ટરને ચૂકવતી હતી, તે હવે પાલિકાને માથા પર આવી પડયો છે. તેથી દિવસેને દિવસે કોવિડ પાછળ થતા ખર્ચામાં વધારો થઈ રહયો છે.
કોરોના કાળમાં મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશેન લિમિટેડે સરકારના નિર્દેશને પગલે દહિસર જકાત નાકા પર 955 બેડનું તો કાંદરપાડામા 110 બેડનું આઈસીયુ સાથેની હોસ્પિટલ ઊભી કરવાનો નિર્ણય લીધો હતો. તે મુજબ બંને સ્થળે તાત્પૂરતી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી. તેને જુલાઈ 2020માં મુંબઈ મેટ્રોએ તેને પાલિકાને હસ્તાંતરિત કરી હતી. તે સમયે જ પાલિકાએ પોતાના તરફથી ભાડા નક્કી કરવા જોઈતા હતા, તેને બદલે મેટ્રો કોર્પોરેશન નક્કી રહેલા ભાડાને જ કાયમ રાખ્યા હતા.
લો બોલો! મુંબઈમાં 68,000 ગેરકાયદે બાંધકામ, મુંબઈ મનપાએ લીધી માત્ર આટલા બાંધકામ સામે એક્શન; જાણો વિગત
બંને જગ્યાએ ઊભા કરવામાં આવેલા આ સેન્ટર-હોસ્પિટલમાં સુવિધા ઊભી કરવા માટે કોન્ટ્રેક્ટરને 3 મહિનાનું ભાડું મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે ચૂકવી દીધું હતું. તેમણે દહિસરના બંને સેન્ટરમાં જુદી જુદી સેવા પૂરવવા માટે માસિક 3,72,07,670 રૂપિયાની રકમ નક્કી કરી હતી. તેની મુદત 6 ઓક્ટોબર 2020માં પૂરી થઈ ગઈ હતી. ત્યારબાદ આગામી 3 મહિના માટે એટલે કે 6 જાન્યુઆરી 2021 સુધી મુલુંડ અને દહિસર જંબો સેન્ટર માટે કુલ 22,41,19,418 રૂપિયાને મંજૂરી આપી હતી. તેમાથી દહિસર કોવિડ સેન્ટર માટે 3 મહિના માટે 10,40,65,368 રૂપિયાનું ભાડું છે, તો બાકીનું ભાડુ મુલુંડના કોવિડ સેન્ટરનું હતું.
દહિસર જકાત નાકામાં 955 બેડનું ક્વોરેન્ટાઇન સેન્ટર અને 110 બેડનું કાંદરપાડામાં આઈસીયુ સહિત કુલ 1065 બેડનું માસિક ભાડું 3,46,88432 રૂપિયા છે. તેમાં દરેક બેડ પાછળ માસિક ભાડું 32,571 હોઈ પ્રતિ દિન બેડનું ભાડું 1,085 રૂપિયા છે.
મુંબઈ મેટ્રો રેલવે પાસેથી હસ્તાંતર કર્યા બાદ પાલિકાએ પોતાના દર મુજબ ભાડું નક્કી કર્યું હોત આ રકમ ઘટી જાત. પંરતુ મેટ્રોએ રાખેલા ભાડાને જ પાલિકાએ કાયમ રાખતા વધારાનો બોજો પાલિકાના માથા પર આવી ગયો છે. જગ્યા પાલિકાની છે, છતાં આટલું ભાડું કેમ એવો સવાલ પણ નગરસેવકોએ પ્રશાસનને કર્યો છે.