ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 માર્ચ 2021
મુંબઈ મહાનગર પાલિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સાથે એક ખતરનાક ટ્રેન્ડ દેખાયો છે. મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવતી ચાલીઓ અને ઝૂંપડપટ્ટીમાંથી કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે જ્યારે કે બિલ્ડિંગોમાં નિવાસ કરતા લોકો કોરોનાના સંસર્ગમાં આવી રહ્યા છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પહેલી માર્ચ ના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મુંબઈ શહેરમાં 137 ઇમારતો પ્રતિબંધિત છે જ્યારે કે માત્ર દસ ઝૂંપડપટ્ટીના પટ્ટાઓ પ્રતિબંધિત છે.
ઝૂંપડપટ્ટી ક્ષેત્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થવાને કારણે ત્યાં રહેલા પ્રતિબંધિત ક્ષેત્રો ઊઘડ્યાં છે જ્યારે કે બિલ્ડિંગોમાં નિવાસ કરી રહેલા લોકોને પ્રમાણમાં વધુ કોરોના લાગુ પડતા બિલ્ડિંગોને સીલ કરવાનું પ્રમાણ વધ્યું છે.
જો આંકડાકીય રીતે જોવા જઈએ તો મુંબઈ શહેરમાં 10 ઝૂંપડપટ્ટીઓ પ્રતિબંધિત ક્ષેત્ર છે જેમાં કુલ 61 હજાર લોકો રહે છે. જ્યારે કે કુલ 137 ઇમારતોને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે જેને કારણે એક લાખ 27 હજાર લોકો આ વિસ્તારોમાં છે.
1 માર્ચના રોજ મળેલા આંકડા મુજબ અંધેરી અને જોગેશ્વરી પશ્ચિમ ભાગમાં કુલ 19 ઇમારતો પ્રતિબંધિત છે. ચેમ્બુરમાં 18, ભાંડુપ માં 16, બાંદ્રામાં 12, લાલબાગ અને પરેલમાં 12 ઇમારતો પ્રતિબંધિત છે.