ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીને આવ્યા બાદ કોરોના પોઝિટિવ બનેલા મુંબઈના 29 લોકોના સંપર્કમાં આવેલા 314 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કોરોનાગ્રસ્તમાંથી બેના ઓમીક્રોનના રિપોર્ટ 6 ડિસેમ્બરના પોઝિટિવ આવ્યા હતો. કોરોનાગ્રસ્ત લોકોના સંપર્કમાં આવેલા અન્ય લોકોને કોરોનાનો ચેપ લાગ્યો ન હોવાથી મુંબઈગરાની સાથે પાલિકા પ્રશાસનનું હાલ પૂરતું સંકટ દૂર થયું છે.
મુંબઈમાં પણ કોરોના વેરિયન્ટ દાખલ થઈ ગયો છે. તેથી પાલિકા સતર્ક થઈ ગઈ છે. છેલ્લા એક મહિનામાં ઓમાઈક્રોનની અસરગ્રસ્ત દેશ એટલે કે હાઈ રિસ્ક દેશમાંથી મુંબઈ આવેલા પ્રવાસીઓને શોધીને તેમના કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
પહેલી નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધીમાં 5510 પ્રવાસી જોખમી દેશમાંથી મુંબઈ આવ્યા છે. તેમાંથી કોરોના પોઝિટિવ જણાયેલા લોકોના સેમ્પલ પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામા આવ્યા હતા. જેમાં 20 પ્રવાસી અને તેમના સંપર્કમાં આવેલા 9 એમ કુલ 29 લોકોના જિનોમ સિક્વેન્સિંગ કરવામાં આવ્યા હતા.