News Continuous Bureau | Mumbai
દાદરમાં કબુતરખાના પાસે એક ડ્રેનેજ લાઈનની ટાંકીમાં સવારના સમયમાં ગાય પડી ગઈ હતી. ગાયને બચાવવા ફાયરબ્રિગેડ સહિત પોલીસ દોડી ગઈ હતી. આ દરમિયાન ગાયને બચાવવાની કામગીરી દરમિયાન રસ્તા પર મોટા પ્રમાણમાં ટ્રાફિક જમા થઈ ગયો હતો. લગભગ ચાર કલાકની જહેમત બાદ ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ દાદરમાં કબુતરખાના પાસે ભવાની શકંર રોડ પર સવારના 8.30 વાગ્યાની આસપાસ દુઘર્ટના બની હતી. જેમાં ભવાની શંકર રોડ પર ડ્રેનેજની ગટર ઉપર ગાય ઊભી હતી. એ સમયે અચાનક ગટરનું ઢાંકણું ખસી ગયું હતું અને ગાય તેમાં જઈને પડી ગઈ હતી.
ડ્રેનેજ લાઈનની સાંકડી ગટરમાં પડી જવાથી ગાય તેમાં ફસાઈ ગઈ હતી. તેને બચાવવા માટે ફાયર બ્રિગેડ અને પાલિકાના જવાનો પહોંચી ગયા હતા. ગટર સાંકડી હોવાથી તેને બહાર કાઢવામાં ભારે તકલીફ આવી રહી હતી. તેથી ફાયરબ્રિગેડ અને પાલિકાના જવાનોએ તેને ઈજા પહોંચે નહીં અને સુરક્ષિત રહે તે પ્રમાણે તેને તેમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી, જે હેઠળ તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા ગટરની આજુબાજુના ભાગ તોડવાનું ચાલુ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : રસ્તા પર ગમે ત્યાં વાહનો પાર્ક કર્યા છે તો આવી બનશે!! વસઈ-વિરાર પાલિકાએ બેવારસ વાહનોને લઈને લીધો આ મહત્વનો નિર્ણય.. જાણો વિગતે
આ દરમિયાન ટાંકીની અંદર ફસાઈ ગયેલી ગાય ડર અને પીડાથી કણસી રહી હતી. તેને આ ટાંકીની અંદર ખાવા માટે ચારો અને પાણી આપવામાં આવ્યું હતું અને એ સાથે જ બચાવ કામગીરી પણ ચાલુ રાખવામાં આવી હતી. લગભગ 12.30વાગ્યા દરમિયાન ગાયને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી.
દાદરમાં ભવાની શંકર રોડ પર સવારના સમયે પીક અવર્સમાં ભારે ટ્રાફિક રહેતો હોય છે. તેમાં ગાયને બચાવવાની કામગીરી ચાલી રહી હોવાથી મોટી સંખ્યામાં ટોળા પણ વધી ગયા હતા. તેથી અહીં ટ્રાફિક જામની સમસ્યા પણ નિર્માણ થઈ હતી.