ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જૂન 2021
મંગળવાર
વર્ષોથી મુંબઈમાં ઘનિકો રહેવા માટે દક્ષિણ મુંબઈ પર જ પસંદગી ઉતારતા આવ્યા છે. આજે પણ લોકોમાં પરાં કરતાં દક્ષિણ મુંબઈમાં મોટા ઘરની માગણી વધુ જોવા મળી રહી છે. હાલમાં જ “સીઆરઈ મેટ્રિક્સ” સંસ્થાએ “ક્રેડાઈ-એમસીએચઆય”ની મદદથી એક સર્વેક્ષણ કર્યું હતું, જેમાં લોકો થ્રી BHKથી વધુ ક્ષેત્રફળના ઘરમાં રહેવાનું પસંદ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું
કોરોનાને પગલે હાલ રિયલ એસ્ટેટ બજારમાં પણ વાતાવરણ ઠંડું જોવા મળી રહ્યું છે, ત્યારે આ સર્વેક્ષણમાં મુંબઈ શહેર, ઉપનગર સહિત મુંબઈ મેટ્રોપૉલિટન એરિયામાં આવતા વિસ્તારમાં છેલ્લાં છ વર્ષમાં ઘરની ખરીદી-વેચાણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એ મુજબ દક્ષિણ મુંબઈમાં કુલ ખરીદીનાં 47 ટકા ઘર 630થી 1150 ચોરસ ફૂટનાં હતાં. જેમાં મુખ્યત્વે 3 BHK અથવા 3.5 BHK ફ્લૅટનો સમાવેશ થાય છે. એનું મધ્ય મુંબઈમાં પ્રમાણ 385થી 750 ચોરસ ફૂટ જેટલું છે. આ ક્ષેત્રફળમાં 54 ટકા ઘરની ખરીદી છેલ્લાં છ વર્ષમાં મધ્ય મુંબઈમાં થઈ છે. પૂર્વ ઉપનગરમાં આ પ્રમાણ 480થી 830 ચોરસ ફૂટનું છે. આ ક્ષેત્રફળનાં લગભગ 66 ટકા ઘરની ખરીદી છેલ્લાં છ વર્ષમાં થઈ છે. પશ્ચિમ ઉપનગરમાં આ ક્ષેત્રફળ 420થી 880 ચોરસ ફૂટનું છે. કુલ ઘરની ખરીદીમાંથી આ ક્ષેત્રફળના 63 ટકા ઘરની ખરીદી છેલ્લાં છ વર્ષમાં પશ્ચિમ ઉપનગરમાં થઈ છે.
આ સર્વેક્ષણમાં કલ્યાણ-ડોંબિવલીથી અંબરનાથ, બદલાપુર, થાણે મહાપાલિકા, મીરા-ભાયંદર મહાપાલિકા, વસઈ-વિરાર મહાપાલિકા, નવી મુંબઈ મહાપાલિકા અને પનવેલ મહાપાલિકાનો પણ સમાવેશ થાય છે.
કલ્યાણ-ડોંબિવલી મહાપાલિકામાં 300થી 630 ચોરસ ફૂટનાં 74 ટકા ઘરની ખરીદી થઈ હતી. થાણે મહાપાલિકામાં 290થી 660 ચોરસ ફૂટનાં 73 ટકા, મીરા-ભાયંદરમાં 350થી 600 ચોરસ ફૂટનાં 57 ટકા, નવી મુંબઈમાં 340થી 640 ચોરસ ફૂટનાં 74 ટકા, વસઈ–વિરારમાં 240થી 550 ચોરસ ફૂટનાં લગભગ 89 ટકા તો પનવેલમાં 230થી 630 ચોરસ ફૂટનાં 83 ટકા ઘરની ખરીદી થઈ હતી.