ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 28 ઓક્ટોબર, 2021.
ગુરુવાર.
નૌશાદ નામનો યુવક 24 ફેબ્રુઆરીના અંધેરીના એક બારમાં દારૂ પીતા પીતા પોતાની બેગમાંથી પૈસા કાઢીને બારબાળા પર ઉડાવી રહ્યો હતો, જે તેની માટે જોખમી સાબિત થયું હતું. બેગમાંથી પૈસા ઉડાવવાનું એક રીઢા ગુનેગારની નજરે ચઢી ગયું હતું અને તે આરોપીએ નૌશાદની બેગમાં રહેલા પૈસા લૂંટી લેવા માટે તેનો બોરીવલીમાં હોટલ સુધી પીછો કર્યો હતો. હોટલના રૂમમાં ઘૂસીને પણ નૌશાદના પૈસા લૂંટવામાં નિષ્ફળ જતા આરોપી તેના પર હુમલો કરીને ભાગી છૂટયો હતો. તે છેક આઠ મહિના બાદ પોલીસને હાથે ચઢયો હતો. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 11એ તેને શોધી કાઢવા માટે 90 અલગ અલગ લોકેશન પર રહેલા સીસીટીવી ફંગોળી કાઢયા હતા અને 80થી વધુ લોકોની પૂછપરછ બાદ તે હાથે ચઢયો હતો.
24 ફેબ્રુઆરીના બોરીવલી(વેસ્ટ)ના એલ.ટી.રોડમાં ડિવાઈન હોટલમાં સાંજના 7 વાગીને 50 મિનિટે સલીમ નામનો આરોપી હોટલના રૂમ નંબર 215માં ઘુસી ગયો હતો. જયાં ફરિયાદી નૌશાદ મુસ્તફા બરડિયા પોતાના ભાઈ સાથે રહ્યો હતો. આરોપીએ પિસ્તોલ કાઢીને રૂમમાં ઘુસીને બંને ભાઈઓને ધમકાવ્યા હતા. આરોપી અને બંને ભાઈઓ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સલીમ જખમી થઈ ગયો હતો. બૂમાબૂમ સાંભળીને હોટલના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન આરોપી ભાગી છૂટયો હતો.
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ હજી પણ માથા પર, રાજ્યના આ પાંચ જિલ્લામાં કોરોનાના 76 ટકા કેસ..જાણો વિગત…
બોરીવલી પોલીસની સાથે કાંદીવલી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 11ની ટીમ પણ હુમલાખોરને શોધી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચે 3 ટીમ બનાવીને તપાસ આદરી હતી. જેમાં હુમલાખોરને શોધવા માટે વિસ્તારના 90 સીસીટીવી ફુટેજ ફંગોળ્યા હતા અને કેસ સોલ્વ કરવા 80 શંકાસ્પદ લોકોના નંબર શોધી કાઢયા હતા, તેમાંથી 79 લોકોની પૂછપરછ કરી હતી. તો એકનો નંબર એવો હતો જે ચાલુ બંધ થતો રહેતો હતો. એટલે પોલીસની શંકા વધુ દૃઢ બની હતી. પોલીસે સળંગ 48 કલાક તેના નંબર પર નજર રાખી હતી. ત્યારબાદ તેને નવી મુંબઈના ખારઘરથી પકડી પાડયો હતો. આરોપીની કબૂલાત મુજબ નૌશાદ બારમાં બેગ ખોલીને પૈસા ઉછાળી રહ્યો હતો. તે જોઈને તેણે બેગ લૂંટી લેવાની યોજના બનાવી હતી.