ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઑગસ્ટ, 2021
શનિવાર
મુંબઈ સહિત મહારાષ્ટ્રના હૉટેલ માલિકોએ 9 ઑગસ્ટથી રાજ્યભરમાં બેમુદત હડતાલ પર ઊતરી જવાની ચીમકી આપી હતી. જોકે સોમવારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ટાસ્ક ફોર્સ સાથે બેઠક કરવાના છે, ત્યાર બાદ તેઓ હૉટેલ અને રેસ્ટોરાંની સમયમર્યાદાને લઈને નિર્ણય જાહેર કરવાના છે. એથી હૉટેલ ઇન્ડસ્ટ્રીએ સોમવાર સુધી રાહ જોવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર સરકારની બ્રેક ધ ચેઇન હેઠળ બહાર પાડેલી નવી ગાઇડલાઇનમાં હૉટેલ અને રેસ્ટોરાંને સાંજના ફક્ત ચાર વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. એથી મુંબઈ સહિત મહારાષ્ટ્રના હૉટેલ માલિકોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી તેમ જ તેઓએ 9 ઑગસ્ટથી રાજ્યભરમાં બેમુદત હડતાલ પર ઊતરી જવાની ચીમકી આપી હતી. જોકે હવે શુક્રવારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠક બાદ તેઓ શાંત પડ્યા છે.
દેશભરમાં હૉટેલ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરતી ઇન્ડિયન હૉટેલ ઍન્ડ રેસ્ટોરાં ઍસોસિયેશન (આહાર)ના અધ્યક્ષ શિવાનંદ શેટ્ટીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે શુક્રવારે અમે મુખ્ય પ્રધાનની મુલાકાત લીધી હતી. તેમને અમારી ઇન્ડસ્ટ્રીની નાજુક પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. અનેક હૉટેલો બંધ થઈ ગઈ છે. અનેક લોકોએ નોકરી ગુમાવી છે. એથી દુકાનદારોને સમય વધારી આપ્યો છે એ મુજબ હૉટેલ – રેસ્ટારાંને પણ મોડી રાત સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવાની માગણી કરવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે એવું જણાવતાં શિવાનંદ શેટ્ટીએ જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેરના જોખમને લઈને મુખ્ય પ્રધાન ચિંતિત છે. આ અઠવાડિયામાં દુકાનો 10 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપ્યા બાદ કોરોનાના કેસમાં અને પૉઝિટિવિટી રેટમાં કેટલો ફરક પડ્યો છે એનો અભ્યાસ કર્યા બાદ તેઓ સોમવારે ટાસ્ક ફોર્સ સાથે ચર્ચા કરવાના છે. સોમવારે ટાસ્ક ફોર્સની બેઠકમાં હોટેલ ઇન્ડસ્ટ્રી બાબતે કોઈ નિર્ણય લેવાનું તેમણે આશ્વાસન આપ્યું છે. એથી અમે મંગળવાર સુધી રાહ જોવાનો નિર્ણય લીધો છે, ત્યાં સુધી તેમણે કોઈ રાહત નહીં આપી તો હડતાલ પર ઊતરી જવા માટે મક્કમ છીએ. જોકે મુખ્ય પ્રધાને અમને રાહત આપવાનું આશ્વાસન આપ્યું છે. એથી આવતા અઠવાડિયાથી હૉટેલ અને રેસ્ટારાં પણ સાંજે ચાર વાગ્યા બાદ ખુલ્લી રાખવાની મંજૂરી મળશે એવી અમારી અપેક્ષા છે.
