ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
મહાનગર મુંબઈમાં ચોમાસા સમયે સાયન, કિંગ સર્કલ અને કુર્લા જેવા વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાતાં લોકલ સેવા પ્રભાવિત થાય છે. હવે એક RTIઍક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આરોપ લગાવ્યો છે કે આ વખતે નાળાની સફાઈ ન કરવાને કારણે કુર્લા અને સાયનમાં વરસાદી પાણી ભરાયાં છે અને મુંબઈ ઉપનગરીય રેલવે સેવાને અસર થઈ છે.
છેલ્લાં12 વર્ષમાં, રેલવેના 116 કલ્વર્ટ્સ પર 30 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે અને એની સફાઈ ન કરવાને કારણે 30 કરોડ રૂપિયાનો વ્યય થયો છે. મુંબઈ રેલવે હેઠળના કલ્વર્ટ જે દર વર્ષે રેલવેવહીવટીતંત્ર દ્વારા સાફ કરવામાં આવે છે અને દર વર્ષે પાલિકા 3થી 4 કરોડ રૂપિયા એ સાફસફાઈ માટે ચૂકવે છે, પરંતુ આજદિન સુધી રેલવે દ્વારા કોઈ ઑડિટ કરવામાં આવ્યું નથી કે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ખર્ચનો હિસાબ પૂછવામાં આવ્યો નથી.
આજે મધ્ય રેલવે હેઠળ 53, પશ્ચિમ રેલવે હેઠળ 41 અને હાર્બર રેલવે હેઠળ 22 કલ્વર્ટ્સ, એમ કુલ 116 કલ્વર્ટ્સ છે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે માત્ર 15 દિવસમાં CSMTથી મુલુંડ સુધીની તમામ રેલવે ડ્રેઇનોની સફાઈ પૂર્ણ કરવાનો દાવો કર્યો છે, પરંતુ આ કાર્યનું બંનેમાંથી કોઈપણ સંસ્થાએ ઑડિટ કર્યું નથી. દર વર્ષે લોકલ સેવાઓ ખોરવાતાં મહેનતુ મુંબઈગરાઓએ આનું પરિણામ ભોગવવું પડે છે.