ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,22 જાન્યુઆરી 2022
શનિવાર.
મુંબઈમાં 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને પહેલા અને બીજા ડોઝના રસીકરણ ઝુંબેશને ભારે સફળતા મળી છે. જો કે 15 થી 18 વર્ષની વયના બાળકોના રસીકરણને પ્રમાણમાં ઓછો પ્રતિસાદ મળી રહ્યો છે. તેથી તેને પ્રોત્સાહન આપવા પાલિકાએ આગામી સપ્તાહથી બે સત્રમાં વૅક્સિનેશન અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત સવારના સમયે 18 વર્ષ અને તેથી વધુ વયના બાળકોને અને બપોરના સમયે 15 થી 18 વર્ષની વયના બાળકોને રસી આપવામાં આવશે.
મુંબઈમાં ત્રણ જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોનું વૅક્સિનેશન શરૂ થયું છે. મુંબઈમાં આ વયજુથમાં વૅક્સિનેશન માટે લાભાર્થી બાળકોની સંખ્યા 9,22, 566 છે. તેમાંથી 18 જાન્યુઆરી સુધીમાં કુલ 1,77,614 બાળકોએ પ્રથમ ડોઝ લીધો છે. અત્યાર સુધીમાં, 20 ટકા પાત્ર બાળકોને રસી આપવામાં આવી છે. બાકીના બાળકોને રસીકરણ ઝડપથી થાય તે માટે પાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીના કહેવા મુજબ દરેક સ્કૂલના પરિસરમાં વૅક્સિનેશન માટે ખાસ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે.
આવતી કાલે બોરીવલી થી ગોરેગામ વચ્ચે જમ્બો બ્લોક. જાણો વિગત અહીં.
પાલિકાના જમ્બો કોરોના સેન્ટરની સાથે મળીને સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રોની સંખ્યા 351 છે. 15 થી 18 વર્ષની વયના બાળકો, જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ પણ સામેલ છે તે પણ જમ્બો કોરોના સેન્ટરમાં રસીકરણ માટે આવે છે. જોકે હવે પાલિકાના જમ્બો કોરોના સેન્ટર સહિત અન્ય સેન્ટરોમાં બંને વયના લોકો માટે બે અલગ-અલગ સમયે વૅક્સિનેશન ચાલશે. 18 વર્ષથી ઉપરની લાભાર્થીઓને સવારે અને 15 થી 18 વર્ષની વયના બાળકોને બપોરના સમયે રસી આપવામાં આવશે.