ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જુલાઈ ૨૦૨૧
શનિવાર
કોરોનાના આ કપરા કાળમાં દરેક લોકોની કમર આર્થિક રીતે તૂટી ગઈ છે. રોજગાર માટે લોકો પ્રતિબંધ હોવા છતાં હવે ઘરની બહાર નીકળી રહ્યા છે. આવી સ્થિતિમાં મંજૂરી વિના પણ લોકલમાં લોકોની ભીડ વધ્યા બાદ રાજ્ય સરકાર અને રેલવેએ કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. જોકેરેલવે અને રાજ્ય સરકાર પણ મુંબઈગરાને રાહત આપવાની યોજના પર કામ કરી રહી છે. ખાસ કરીને એવા લોકો કે જેમણે રસી લીધી છે.
એક પ્રતિષ્ઠિત મીડિયા હાઉસના અહેવાલ મુજબ રેલવે સૂત્રોએ જણાવ્યું છે કે કર્ણાટક સરકારની જેમ રાજ્ય સરકાર રસી લેનારા લોકોને લોકલમાં મંજૂરી આપવાની યોજના પર કામ કરી રહી છે. આ આયોજન અંતર્ગત રસી લેનારા લોકો માટે આગામી દિવસોમાં લોકલના દરવાજા ખૂલે એવાં એંધાણ છે. રેલવે અધિકારીઓનું માનવું છે કે રાજ્ય સરકાર યુનિવર્સલ પાસની યોજના બનાવી રહી છે. એ જ આધારે સરકાર રેલવે સાથે સંકલન કરી રસી લીધેલા લોકોને લોકલમાં મુસાફરી કરવાની પરવાનગી આપી શકે છે.
લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા મુંબઈગરાના જાતજાતના તિકડમ, 60 ટકા નકલી આઇ-કાર્ડ; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં સામાન્ય જનતાને પ્રવાસ કરવા પર પ્રતિબંધ છે, જેને પગલે લાખો લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકો લોકલમાં પ્રવાસ કરવા અનેક જુગાડ લગાવી રહ્યા છે અથવા વગર ટિકિટે મુસાફરી કરે છે. હવે જો સરકાર ખરેખર આ બાબતે ગંભીર વિચાર કરી આ પ્રકારની યોજના લાવે તો લાખો લોકોને આનો ફાયદો મળશે.