News Continuous Bureau | Mumbai
‘જળ બિલ્લોરી ‘,’અરુંધતીનો તારો’, ‘શ્યામ પંખી અવ આવ ‘જેવા કાવ્યસંગ્રહો અને રસપ્રદ વાર્તાઓ લખનાર કવયિત્રી અને વાર્તાકાર ડૉ. ઉષા ઉપાધ્યાયે ‘ઝરૂખો’માં ભાવકોને પોતાની કવિતાઓ તથા ટૂંકી વાર્તાના સર્જનની વાત કરીને મંત્રમુગ્ધ કર્યા હતા. બોરીવલીમાં ‘ઝરૂખો ‘નો આ કાર્યક્રમ હતો ‘એક સાંજ વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ઉષા ઉપાધ્યાય સાથે!’
‘બ્રહ્માનંદ સહોદર આનંદ કવિતા આપે છે અને કવિતા થોડામાં ઘણું કહી જાય છે .’એવું ઉષા ઉપાધ્યાયે જણાવ્યું હતું. 1985 ની આસપાસ અછાંદસ લખીને એમણે ભોળાભાઈ પટેલને દેખાડ્યા હતા જેમણે કાવ્યો માટે પ્રોત્સાહન આપ્યું હતું .ત્યારબાદ કવિલોકે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘જળ બિલ્લોરી ‘ પ્રકાશિત કર્યો .’મારે ઉગ્રતા દાખવવી હોય તો હું પત્રકાર બનું પણ હું કવિ છું તો મારી વાત તો કળાના સ્વરૂપે જ આવવી જોઈએ’ એવું એમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

‘એક દી તારે ખેતર શેઢે આવી ચડીને ,પૂછશે આખી સીમ
કે અલ્યા વનથી વેડ્યા ટહુકા સાથે કાંકરી ચાળો કેમ કીધો તો?’
આવા લયમાં ઘૂંટાયેલા ગીતે આખા હોલમાં લયહિલ્લોળ ઊભો કર્યો હતો .બીજા એક કાવ્ય ‘નભ વચ્ચે આ કયો ખલાસી જળની જાળ ગૂંથે છે ! ‘જેવા કલ્પને પણ શ્રોતાઓને ભીંજવી દીધા હતા.

આ અગાઉ કવયિત્રી પ્રતિમા પંડ્યાએ ડૉ. ઉષા ઉપાધ્યાયની કાવ્ય રચનાઓ વિશે સરસ રીતે વાત મૂકી અને કેટલીક રચનાઓનાં સૌંદર્ય સ્થાન પણ ચીંધી બતાવ્યાં હતાં
ટૂંકી વાર્તાની વાત કરતાં ઉષા ઉપાધ્યાયે કહ્યું, ‘નર્યા ભાષાના પ્રયોગોથી વાર્તા નથી બનતી. પ્રસવની ક્ષણ હોય ત્યારે જ વાર્તા બને છે. જોયેલું દ્રશ્ય ક્યાંક મનમાં પડ્યું હોય એ કાગળ પર ઉતરે છે. કોઈક બિંદુ મળે છે એની આસપાસ ગૂંથણી કરવાની હોય છે .ઉમાશંકર જોશીએ એના માટે એક શબ્દ આપ્યો છે ‘અનુભૂતિકણ ‘.
‘ટૂંકી વાર્તાનો અંત અપેક્ષિત ન હોવો જોઈએ. વાર્તા પૂરી થાય ત્યારે એની નવી શરૂઆત વાચકના ચિત્તમાં થતી હોય છે .’ એવું લેખિકાએ જણાવ્યું હતું.

અભિનેત્રી પ્રીતા પંડ્યાએ ઉષાબેનની ‘સંભવ’ નામની ટૂંકી વાર્તાનું વાચિકમ ઉમદા રીતે કરીને લેખિકા તથા શ્રોતાઓની દાદ મેળવી હતી.
ઉષાબેનની ‘હું તો આ ચાલી’ વાર્તામાં એક સામાન્ય ગૃહિણીને વીંછી કરડતાં એને લાગે છે કે હવે એનો જવાનો સમય આવી ગયો છે. એ દરમિયાનના એના માનસિક સંચલનો લેખિકાએ જે આલેખ્યાં છે એને કવિ વાર્તાકાર સંજય પંડ્યાએ ખૂબ સરસ રીતે ઉઘાડી આપ્યા .એમની એક બીજી ‘સર્પ’ નામની વાર્તામાં નાયિકાના ચિત્તના અવનવા આંદોલનો અને માનસશાસ્ત્રીય સ્તર પર નાયિકાના ચિત્તના પડળ ઉખેડતી વાતનો પણ એમણે ઉલ્લેખ કર્યો. ઉષા ઉપાધ્યાય ગુજરાતી તથા હિન્દી બે ભાષામાં સર્જન કરે છે અને ઉત્તમ અનુવાદો પણ કરે છે એનો પણ એમણે પરિચય દરમિયાન ઉલ્લેખ કર્યો હતો.

કવિ મુકેશ જોશી, પ્રોફેસર અશ્વિન મહેતા , વાર્તાકાર બાદલ પંચાલ તથા અન્ય ભાવકોએ પણ પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો. વાર્તાકાર મીનાક્ષી વખારિયા તથા કવયિત્રી મિતા મેવાડાએ પણ હાજરી આપી હતી.