ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,3 નવેમ્બર, 2021
બુધવાર.
આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ પડયો હોવાથી મુંબઈને પાણી પૂરું પાડનારા જળાશયો છલકાઈ ગયા છે. જળાશયોમાં મબલખ પાણીનો સ્ટોક છે. છતાં મુંબઈનાં મોટાભાગનાં વિસ્તારોમાં નાગરિકો પાણી માટે વલખા મારી રહ્યાં છે. મુંબઈ મહાનગરપાલિકાના રેઢિયાળ કારભારને કારણે બરોબર દીવાળીના સમયમાં લોકોના નળમાથી પાણી ગાયબ થઈ ગયું છે. મુંબઈમાં સર્જાયેલી પાણીની તકલીફ માટે પાલિકાના પાણી પુરવઠા ખાતાના વોટર ઍન્જિનિયરિંગ વિભાગના એન્જિનિયરો જવાબદાર છે. પાણીને લઈને તેમના પ્લાનિંગના અભાવે પાણીની સમસ્યા નિર્માણ થઈ હોવાનો આરોપ નગરસેવકોએ કર્યો છે.
મુંબઈમાં હાલ કુર્લા, એન્ટોપ હિલ, બોરીવલી, દહિસર સહિત મલાડ, અંધેરી-જોગેશ્ર્વરી પશ્ચિમ વિસ્તારમાં, ભાયખલા, વિક્રોલી ગાવઠણ, ચાંદિવલી, બાંદરા(પૂર્વ), કાંદિવલી-ચારકોપ વિસ્તાર, વિલેપાર્લે થી અંધેરી(પૂર્વ) સુધીના વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે.
મુંબઈ પર તોળાતો ખતરો, આટલા ફૂટ નીચે દરિયામાં સમાઈ જશે માયાનગરી; નાસાએ કર્યો ખુલાસો
વિરોધપક્ષ નેતા રવિ રાજાએ એફ-ઉત્તર વોર્ડમાં પાણીની સમસ્યા ગંભીર હોવાની ફરિયાદ કરી હતી. નગરસેવકો જયારે પાણીની સમસ્યાને મુદ્દે વિરોધ કરે છે ત્યારે પ્રશાસનના અધિકારીઓ તેમના વિરુદ્ધ પોલીસમાં એફઆઈઆર નોંધાવે છે. છતા પ્રશાસન નાગરિકોને પાણીથી વંચિત રાખે છે એવી નારાજગી પણ રવિ રાજાએ વ્યકત કરી હતી. તેમણે પાણીને મુદ્દે પ્રશાસન વિરોધમાં એફઆઈઆર દાખલ કરવાની ચીમકી પણ આપી હતી. તેમના વોર્ડમાં પાલિકાનો અધિકારી જાણી જોઈને તેમના પર ગુસ્સો કાઢી રહ્યો હોવાનો આરોપ પણ રવી રાજાએ કર્યો હતો.