ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021
બુધવાર
કોરોના મહામારીને પગલે ગયા વર્ષે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનમાં મુંબઈમાં દરરોજ 3 લોકોએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. કોરોનાને પગલે અનેક લોકોએ રોજગારી-ધંધા ગુમાવ્યા હતા. સળંગ 3-3 મહિના સુધી લોકોને ઘરમાં જ બેસી રહેવું પડ્યું હતું. અનેક લોકો પર એની માનસિક અસર થઈ હતી. એને કારણે મુંબઈમાં દરરોજ 3 લોકોએ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું હોવાનું મુંબઈ પોલીસના આંકડા પરથી બહાર આવ્યું છે.
મુંબઈ પોલીસના આંકડા મુજબ 18થી 60 વર્ષના એજગ્રુપમાં જાન્યુઆરીથી ડિસેમ્બર 2020 સુધીના 12 મહિનાના સમયગાળામાં કુલ 1,282 આત્મહત્યાના કેસ નોંધાયા હતા. એટલે દરરોજ સરેરાશ 3 વ્યક્તિઓએ આત્મહત્યા કરી હતી. 2019ની સાલમાં આ જ આંકડો 1,229 હતો. એટલે કે કોરોનાકાળમાં આત્મહત્યાનું પ્રમાણ 4 ટકાથી વધી ગયું હોવાનું જણાય છે.લૉકડાઉનમાં સિનિયર સિટીઝનમાં પણ આત્મહત્યાનું પ્રમાણ લગભગ 60 ટકાએ વધી ગયું હતું. 2019માં 23 આત્મહત્યા પરથી 2020માં આ આંકડો 37 પર પહોંચી ગયો હતો. એક જ વર્ષમાં આ આંકડો 31 ટકાએ વધી ગયો હતો, તો નાનાં બાળકોમાં આત્મહત્યાના પ્રમાણમાં 13 ટકાનો ઘટાડો થયો છે.
સારા સમાચાર : ફેબ્રુઆરી 2022 સુધીમાં મુંબઈગરા થઈ જશે ફુલ્લી વેક્સિનેટેડ; જાણો વિગત
મુંબઈમાં મહિલાઓ કરતાં પુરુષો આત્મહત્યામાં આગળ છે. 2019માં 269 તો 2020મા 312 મહિલાઓએ આત્મહત્યા કરી હતી. એની સામે 2019માં 715 તો 2020માં 816 પુરુષોએ આત્મહત્યા કરી હતી. 18થી 60 વર્ષની મહિલામાં આત્મહત્યાનું પ્રમાણ 13 ટકાએ ઘટી ગયું છે. પુરુષોમાં આત્મહત્યાની સંખ્યા 14 ટકા વધી છે.લૉકડાઉનમાં આર્થિક નુકસાન, બેરોજગારી, વ્યસનને કારણે પુરુષોને માનસિક અસર થઈ હતી. એથી આત્મહત્યા જેવું ઘાતક પગલું ઊંચક્યું હતું.