ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
11 ડિસેમ્બર 2020
ઉત્તર મુંબઈના દહીસર, બોરીવલી, કાંદીવલી, મલાડ અને ગોરેગાંવ વિસ્તારના એસવી રોડ થી અંદર તરફ ની ગલીઓ તેમજ લિન્કિંગ રોડ થી અંદર તરફ જનાર રસ્તાની બંને બાજુ ઉપર રિક્ષા પાર્ક થયેલી જોવા મળે છે. અલગ અલગ જગ્યાએ 20 થી 25 રીક્ષાઓ એકસાથે પાર્ક હોય છે. વાત એમ છે કે 23 માર્ચ એટલે કે લોક ડાઉન પછી આ રીક્ષાઓ જ્યાં પાર થઈ ત્યાં થી ખસી જ નથી.
કોરોના થી બચવા માટે સરકારે જે ગાઇડલાઇન જાહેર કરી તેમાં રિક્ષાના પરિવહન ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત રીક્ષા ચલાવનાર મહત્તમ લોકો ઉત્તર ભારતીયો અથવા પરપ્રાંતીઓ છે. આ તમામ લોકો વિપરીત પરિસ્થિતિના કારણે મુંબઈ છોડીને ચાલી ગયા છે. હજી તેઓ મુંબઈ શહેરમાં પરત આવ્યા નથી.

આ સંદર્ભે વધુ વિગત આપતા ઓટો રિક્ષા યુનિયનના અધ્યક્ષ શશાંક રાવે જણાવ્યું કે મુંબઈ શહેરમાં બે લાખ જેટલી રીક્ષાઓ છે.આમાંથી માત્ર ૮૦ હજાર જેટલી રિક્ષા રસ્તા પર ઉતરી છે બચેલી એક લાખ વીસ હજાર જેટલી રીક્ષાઓ હજી પાર્કિંગમાં ઉભી છે. આનું પ્રમુખ કારણ સરકારની ખોટી નીતિઓ છે.સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે તે પ્રમાણે રીક્ષાઓ નો ઉપયોગ માત્ર ઇમર્જન્સી સર્વિસ તરીકે જ કરી શકાય છે. આ ઉપરાંત મુંબઈ શહેરમાં ધંધા-રોજગાર પહેલાની જેમ ચાલુ થયા નથી. શેરિંગ માં રીક્ષા લઈ જવાને પરવાનગી નથી. પહેલેથી જ રીક્ષાવાળાઓ નો ધંધો નબળો હતો અને હવે પરિસ્થિતિ વધુ વિપરીત થવાને કારણે લોકો મુંબઈ શહેર આવ્યા જ નથી.જેઓ મુંબઈમાં આવ્યા છે તેઓ રિક્ષા છોડીને વોચમેન અથવા કોઈ અન્ય કામ ધંધામાં લાગી ગયા છે. આ સંદર્ભે સરકારે ઝડપથી કોઈ પગલાં લેવા જોઈએ.

બીજી તરફ મુંબઈ શહેરમાં પાર્કિંગ લોટમાં રીક્ષાઓ ઊભી છે તેમાં ચોરી ની શરૂઆત થઈ ગઈ છે. રીક્ષાના પૈડા તેમજ સ્વીચ સહિત અન્ય વસ્તુઓ ચોરાઈ રહી છે. એ તરફ લોકોને પાર્કિંગ મળી રહ્યું નથી. ત્યારે રસ્તાના કિનારીઓ પર રીક્ષાઓ ધૂળ ખાતી પડી છે જેને કારણે લોકોને અગવડ થઈ રહી છે.

