ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
કોરોનની બીજી લહેર ઓસરી ગયા બાદ હવે જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. મંદ પડેલા ધંધાઓની ગાડી પાટે ચઢી રહી છે. રાજ્યમાં ૪ ઓકટોબરથી સ્કૂલો અને જુનિયર કોલેજ શરૂ થઈ ગઈ છે. તેથી વિદ્યાર્થીઓને આવશ્યક વસ્તુઓનું વેચાણ વધશે તેવી આશા સ્ટેશનરી બજારમાં નિર્માણ થઈ હતી, પરંતુ રિટેલ વેપારીઓને અપેક્ષા પ્રમાણે ખાસ પ્રતિસાદ મળી નથી રહ્યો.
છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ ઓનલાઈન શરૂ હતી. તેથી સ્ટેશનરીનો વ્યવસાય મંદ પડ્યો હતો. હવે શાળા- કોલેજો ખુલી ગઇ છે છતાં વેચાણમાં ખાસ વધારો થયો નથી. કારણકે હાલમાં શાળાઓમાં વિદ્યાર્થીઓ માત્ર 15થી 20 ટકા જ હાજરી આપી રહ્યા છે. અત્યારે વાલીઓ બહુ આવશ્યક હોય તેવી સ્ટેશનરીની વસ્તુઓ જ ખરીદી રહ્યા છે. તેથી ડિમાન્ડમાં ખાસ વધારો નથી. આ બાબતે દહિસર પૂર્વના રિટેલ વેપારી નીતિન છેડાએ જણાવ્યું હતું કે, ઓનલાઇન શાળા દરમિયાન જૂનમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું હતું. ત્યારે થોડી ઘરાકી વધી હતી. જોકે કોરોના પહેલાંની સરખામણીમાં પુસ્તકોના વેચાણમાં 30 ટકા ઘટાડો છે. તેમાં 1લી ઓકટોબરથી સરકારે જીએસટી 12થી 18 ટકા વધારવાથી વસ્તુઓના ભાવમાં 7થી 8 ટકા વધારો થયો છે. રોજબરોજના વપરાશ માટેની પેનમાં ભાવ પણ વધ્યા છે. પેન પેટ્રોકેમિકલ પ્રોડક્ટ હોવાથી પ્રેટોલના ભાવ વધ્યા તો પેન પણ મોંઘી થઈ છે. 10 રૂપિયામાં મળતી પેન અત્યારે 13થી 14 રૂપિયામાં વેચાય છે. જોકે હાલમાં નોટબુકોનું વેચાણ થોડું વધ્યું છે અને પરીક્ષાઓ નજીક આવી રહી હોવાથી રેફ્રેન્સ પુસ્તકો પણ વેચાઈ રહી છે.પણ વેપારીઓને જેવી અપેક્ષા હતી એવી તેજી આવી નથી.
તે ઉપરાંત ઓફિસો ખુલવાથી સંબંધિત પ્રિન્ટ પેપર, ફાઈલ સહિતની સ્ટેશનરીની વસ્તુઓનું વેચાણ પણ વધ્યું છે. જોકે કોલસાની અછત હોવાથી પેપર ઉત્પાદક મિલોમાં ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે. પરિણામે પેપરના ભાવમાં પણ 15થી 20 ટકા વધારો થયો છે.
આ બધું જોતા અત્યારે માગણી ઓછી છતાં ભાવમાં વધારો છે. જ્યારે શાળા, કોલેજો 100 ટકા હાજરી સાથે ખુલશે ત્યારે બધી જ વસ્તુઓની ડિમાન્ડ વધી જશે. તે વખતે વસ્તુઓની કિંમતમાં હજી વધારો થઈ જશે. તેવું વ્યાપારીઓનું અનુમાન છે.