ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 ડિસેમ્બર 2020
મુંબઈમાં રિક્ષાઓ અને ટેક્સીઓના લઘુતમ ભાડામાં વધારો થવાની સંભાવના છે. 22 મે ડિસેમ્બરે મુંબઈ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીની એક બેઠક યોજાશે અને તે બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
એક અખબારના જણાવ્યા પ્રમાણે રિક્ષાઓ માટેના ઓછામાં ઓછા ભાડામાં 2 રૂપિયા અને ટેક્સીઓના લઘુતમ ભાડામાં 3 રૂપિયા વધારો કરવામાં આવશે. ઓથોરિટીના અધિકારીઓના જણાવ્યા મુજબ ભાડા વધારાની દરખાસ્ત છેલ્લા પાંચ વર્ષથી ઓથોરિટી પાસે પેન્ડિંગ છે.
જોકે, ગ્રાહકોએ ભાડા વધારાનો વિરોધ કર્યો છે. નોંધનીય છે કે કોવિડની સ્થિતિને લીધે મુસાફરોને હાલ સસ્તા ભાડા પર મુસાફરી કરવાની ખૂબ જ જરૂર છે. સરકારે ભાડુ વધારવાના બદલે ડ્રાઇવરો માટે નાણાકીય પેકેજીસ અથવા કલ્યાણ યોજનાઓ પ્રદાન કરે તે વધુ યોગ્ય રહેશે, મુસાફરો પર આ વધારાના ભારણ કેમ? એમ ગ્રાહકો પૂછી રહયાં છે.
બીજી તરફ રિક્ષા ચાલકોના એસોસિએશનના વડાએ સરકારને રિક્ષાચાલકોને દર મહિને 10,000 રૂપિયાના પેકેજની જાહેરાત કરવાની માંગ કરી છે. અને, લોકડાઉનના સમયગાળા દરમિયાન ના ઇએમઆઈ પર વ્યાજ માફીની માંગ પણ કરી છે.
જયારે ટેક્સી યુનિયનના નેતાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે લોકડાઉન દરમિયાન ઘણા ડ્રાઇવરોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. "જો ભાડુ વધશે, તો તેમની આવક વધશે અને તેમની આર્થિક સમસ્યાઓ દૂર થશે."
રિક્ષાચાલકોએ ભાડા વધારાને ટેકો આપ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં એક પૈસો પણ ભાડામાં વધારો થયો નથી. બીજી તરફ, ઇંધણના ભાવ, રિક્ષાની જાળવણીનો ખર્ચ, વીમા અને અન્ય ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. લોકડાઉન અવધિ દરમિયાન કોઈ આવક ન મળવાને કારણે નાણાકીય સ્થિતિ કથળી છે. તેથી, તે કહે છે, ભાડામાં આ વધારો જરૂરી છે. આમ રીક્ષા, ટેક્ષી ના ભાડા વધારાનો બોજ છેલ્લે આમ જનતા પર પડશે એ વાત નક્કી છે.
