ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
18 જાન્યુઆરી 2021
મુંબઈના પરા બાંદ્રા માં દેવ આનંદ જ્યા બંગલો ધરાવતા હતાં ત્યાં આજે 'આનંદ' નામનો ઊંચો ટાવર ઉભો છે. આ ટાવરમાં ત્રણ દિવસ પહેલા એક ફ્લેટ પ્રતિ ચોરસ ફીટ 1.02 લાખમાં વેચાયો છે. જે બાંદ્રા અને પશ્ચિમ પરામાં એક રેકોર્ડ છે.
વેચાણકર્તાઓમાં સન્નીસાઇડ ડેવલપર્સના ભાગીદારો અને સ્વર્ગસ્થ દેવ આનંદના પુત્ર સુનીલ આનંદનો સમાવેશ થાય છે. ખરીદનાર સબરવાલ નામનો એક બિઝનેસ પરિવાર છે જે બાંદ્રામાં જ રહે છે.
દેવ આનંદે 1952 માં બાંદ્રાની આ સંપત્તિ ખરીદી હતી અને રેકોર્ડિંગ સ્ટુડિયો ખોલ્યો હતો જે જીવનભર તેમનું બીજું ઘર બન્યું હતું. આ એપાર્ટમેન્ટની કુલ કિંમત રૂપિયા 28.50 કરોડ છે, જ્યારે ,એપાર્ટમેન્ટનો કાર્પેટ એરિયા 2786 ચોરસ ફૂટ છે. એપાર્ટમેન્ટની સાથે નવા માલિકોને બિલ્ડિંગના પોડિયમ લેવલમાં ચાર કાર પાર્કની સુવિધા મળશે.
નોંધનીય છે કે 2009 માં દેવ આનંદે પોતાની માલિકીની જગ્યા અને જ્યાં સ્ટુડિયો ઉભો હતો તેનો પુનર્વિકાસ કરવાનો કરાર કર્યો. રીડેવલપમેન્ટ બાદ દેવ આનંદને આ બિલ્ડિંગમાં થોડા ફ્લેટ અને સ્ટુડિયો મળ્યાં હતા. તેમાંથી જ એક ફ્લેટનું વેચાણ તેમના પુત્ર દ્વારા કરવામાં આવ્યું છે.
દેવ આનંદનું 3 ડિસેમ્બર, 2011 ના રોજ અવસાન થયું હતું, જ્યારે આ પ્રોજેક્ટ હજી ચાલુ હતો અને તેમના પછી આ વિશેષ સંપત્તિના અધિકાર તેમના પુત્ર સુનીલ આનંદના હાથમાં આવ્યા.
એક રિયલ્ટર્સના જણાવ્યા અનુસાર, બાંદ્રાના આ રોડ પરની 'આનંદ' બિલ્ડિંગ હંમેશા પ્રીમિયમ સંપત્તિ રહી છે અને દેવ આનંદના નામ સાથે જોડાયેલા હોવાને કારણે તે તમામને આકર્ષે છે.