ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 ઑક્ટોબર, 2021
બુધવાર
રાહદારીઓ અડચણ વગર ચાલી શકે એ માટે લાખો રૂપિયા ખર્ચીને ફૂટપાથ બનાવવામાં આવે છે તોય ફૂટપાથ પર ચાલી ન શકાય એવી ફૂટપાથની હાલત મુંબઈમાં અનેક ઠેકાણે જોવા મળી રહી છે. પ્રિન્સેસ સ્ટ્રીટ અને કાલબાદેવી વિસ્તારમાં કૉન્ક્રીટીકરણ કરેલી ફૂટપાથ પર નાગરિકોને ચાલવામાં અડચણ થાય છે. ભાજપના સ્થાનિક નગરસેવક આકાશ પુરોહિતે રસ્તાના સમારકામ માટે બે-ત્રણ મહિના પહેલાં કામ શરૂ કરાવ્યું હતું જે હજી સુધી પૂરું થયું નથી.
ક્રિકેટપ્રેમીઓ માટે માઠા સમાચાર, આ દિવસે ધોની આઇપીએલ છોડી દેશે ; જાણો વિગતે
મરીનલાઇન્સમાં ચંદનવાડી, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી, દવાબજાર, બાબુ ગેનુ રોડ, નવી હનુમાન લેન, મંગલદાસ માર્કેટ, લોહાર ચાલ વગેરે ભાગની ફૂટપાથના નિરીક્ષણમાં ચંદનવાડી, પારસી ડેરી અને તેની સામેની અગિયારી આ બંને ફૂટપાથ ખોદીને રાખી મુકાઈ છે. ત્રણ મહિના પહેલાં ખોદકામ કરીને સિમેન્ટનો કાચો થર ચડાવ્યો છે. આ કામ અધવચ્ચે મુકાયું છે અને હવે પારસી ડેરીથી સારસ્વત બૅન્ક સુધી ખોદકામ કરાઈ રહ્યું છે.
દુકાનદારોના જણાવ્યા અનુસાર કૉન્ટ્રૅક્ટર ધ્યાન આપતા નથી. નગરસેવકે પણ આ ફૂટપાથ ઉપર ખાસ ધ્યાન આપ્યું નથી. તેથી મરીનલાઇન્સ સ્ટેશનથી દવાબજાર જનારી બંને ફૂટપાથ પર ચાલવાની જગ્યા નથી.
આ ઉપરાંત દવાબજારની બંને ફૂટપાથ સારી સ્થિતિમાં અને કૉન્ક્રીટીકરણ કરેલી છે, પરંતુ ફેરિયાઓએ અતિક્રમણ કર્યું છે અને ત્યાં જ પોતાનો સંસાર વસાવ્યો છે. એથી નાગરિકોએ ફૂટપાથને બદલે રસ્તા પર ચાલવું પડે છે.
દવાબજાર, રાજકોટ નાગરિક સહકારી બૅન્ક નજીક બે મહિના પહેલાં બેસ્ટના કૅબલ નાખવા માટે ખોદકામ શરૂ કરાયું હતું, જે હજી સુધી પત્યું નથી. માટીનો ઢગલો ત્યાં જ પડ્યો છે. મંગલદાસ માર્કેટથી લોહાર ચાલ તરફ જનારો રસ્તો પહેલેથી જ સાંકળો છે. અહીંની ફૂટપાથ ઉપર સિમેન્ટનો કાચો થર ચડાવીને કૉન્ટ્રૅક્ટરે કામ અધૂરું મૂકી દીધું છે. સ્થાનિક નગરસેવકો ધ્યાન નથી આપી રહ્યા કે શું? એવો સવાલ નાગરિકોએ કર્યો છે.