ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
દરિયાના, ખાડીના પાણીને શહેરમાં ઘુસતા અટકાવવાનું કામ મેનગ્રોવ્ઝ કરે છે. પરંતુ મુંબઈને અડીને આવેલા ખાડી વિસ્તારમાં નહીં પણ સમગ્ર દેશમાં મેનગ્રોવ્ઝનું ગેરકાયદે રીતે નિકંદન કાઢી નાખવાની સમસ્યા મોટા પાયા પર છે. મુંબઈની ચોતરફ કેટલા પ્રમાણમાં મેનગ્રોવ્ઝ હશે તેનો કોઈ અંદાજો પણ નહીં હશે. જોકે હવે મહારાષ્ટ્ર સરકારના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સરાહનીય જ નહીં પણ દેશના ઈતિહાસમાં પણ પહેલી વખત કહેવાય એવી કામગીરી ધરી છે, જેને સલામ કરવાનું મન થઈ જાય. રાજયના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મેનગ્રોવ્ઝને નંબર આપવાનું ચાલુ કર્યું છે. તેથી કોઈ પણ સ્થળે ગેરકાયદે રીતે મેનગ્રોન્ઝનો નાશ તો કરવામાં આવ્યો નથી ને તેના પર નજર રાખી શકાશે.
મહારાષ્ટ્રના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મુંબઈમાં આવેલા મેનગ્રોવ્ઝની ગણતરી કરીને તેને નંબર આપવાનું ચાલુ કર્યું છે. તાજેતરમા જ ગોરાઈ ખાડી પાસે લગભગ પાંચ કલાક સુધી મેનગ્રોવ્ઝને નંબર આપવાનું કામ ચાલી રહ્યું હતું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ ખાડીને અડીને આવેલા વિસ્તારમાં કીચડ-કાદવ વચ્ચે જઈને મેનગ્રોવ્ઝને એક એક કરીને ગણીને તેને નંબર આપી રહ્યા હતા. ગોરાઈમાં જ નહીં પણ મુંબઈના મોટાભાગના કોસ્ટલ વિસ્તારમાં મેનેગ્રોવ્ઝનું નંબરિંગ ચાલી રહ્યુ છે.


લાંબા સમયથી પર્યાવરણ માટે કામ કરનારા એક્ટિવિસ્ટ શુભોજિત મુર્ખજીએ “ન્યુઝ કન્ટીન્યુઝ”ને જણાવ્યું હતું કે મુંબઈ, કે મહારાષ્ટ્રમાં જ નહીં પણ કદાચિત દેશમાં જ પણ પહેલા પ્રકારનો એક્સપરીમેન્ટ છે. આ રીતે મેનગ્રોવ્ઝની ગણતરી કરીને તેને નંબર આપવાનું કામ એક ઐતિહાસિક કામગીરી છે. અત્યાર સુધી દેશમાં કોઈ જગ્યાએ આ પ્રકારે મેનેગ્રોવ્ઝને નંબર આપવાનું કામ કરવામાં આવ્યું નથી. પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેની સંકલ્પના પર આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
મેનગ્રોવ્ઝનો નાશ થતા અટકાવી શકાશે એવું જણાવતા શુભોજિતે કહ્યું હતું કે, દરિયા કિનારા અને ખાડી પાસેના મોટાભાગના વિસ્તારમાં ગેરકાયદે રીતે મેનગ્રોવ્ઝનો નાશ કરવામાં આવે છે. તેને ઉખાડીને તેને બાળી નાખવામાં આવે છે. ખાડીના પાણી ને શહેરમાં ઘુસતા અટકાવવું કામ મેનગ્રોવ્ઝ કરે છે, તેથી તે પર્યાવરણની દ્દષ્ટિએ બહુ મહત્વના છે. જોકે લોકો જમીન પર ગેરકાયદેસર રીતે તેનો કબજો કરવા તેનુ નિકંદન કાઢી રહ્યા છે. તેથી હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તેની ગણતરી કરીને તેને નંબર આપવાનો બહુ મહત્વનો નિર્ણય લીધો છે. તેનાથી હવે કયા સ્થળે કેટલા મેનગ્રોન્ઝ હતા તેની પૂરેપૂરી માહિતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે રહેશે.
કંગના રનૌતને ઝટકોઃ મુંબઈ પોલીસ સમક્ષ આ તારીખ પહેલા હાજર થવાનો બોમ્બે હાઈ કોર્ટનો આદેશ જાણો વિગત,
ગોરાઈમાં શનિવારે સતત પાંચ કલાક સુધી મેનગ્રોવ્ઝની ગણતરી કરીને તેને નંબર આપવાનું કામ ચાલી રહ્યુ હતું તેનો પ્રત્યક્ષ અનુભવ કરનારા શુભોજીતે જણાવ્યુ હતું કે કીચડમાં ઉતરીને એક એક મેનગ્રોવ્ઝને ગણવાનું અને તેને નંબર આપવાનુ કામ બહુ મુશ્કેલ છે. મેનગ્રોવ્ઝની ડાળખીઓની અલગથી ગણતરી ના થાય તેનુ પણ ધ્યાન રાખવું પડે છે. મુંબઈમા જ કદાચ લાખો નહી પણ તેનાથી પણ વધારે મેનગ્રોવ્ઝની સંખ્યા પહોંચશે એવું અનુમાન છે.