ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જુલાઈ, ૨૦૨૧
ગુરુવાર
મુંબઈ પોલીસના ભૂતપૂર્વ કમિશનર અને IPSઑફિસર પરમબીર સિંહ વિરુદ્ધ વધુ એક કેસમાં ભ્રષ્ટાચારના આરોપોથી કાર્યવાહી થઈ શકે છે. તે થાણેમાં પોલીસના વડા હતા એ દરમિયાન તેમણે મલબાર હિલમાં એક એક ઍપાર્ટમેન્ટ ભાડે રાખ્યું હતું, પરંતુ ભાડું ચૂકવ્યું ન હતું. મળતી માહિતી મુજબ પરમબીર સિંહને 18 માર્ચ, 2015ના રોજ થાણેના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા.
આ પહેલાં તેઓ મુંબઈના સ્પેશિયલ રિઝર્વ પોલીસ ફોર્સના ઍડિશનલ DGP હતા. આ દરમિયાનતેમણે મલબાર હિલ્સમાં બીજી ખેર માર્ગ પર નીલિમા ઍપાર્ટમેન્ટ્સ ખાતે સરકારી ઍપાર્ટમેન્ટ આપવામાં આવ્યું હતું. બાદમાં જ્યારે તેમની પોસ્ટિંગ થાણેમાં થઈ હતી, ત્યારે તેમને થાણેમાં સરકારી મકાન આપવામાં આવ્યું હોવા છતાં પણ તેમણે નીલિમા ઍપાર્ટમેન્ટ ખાલી કર્યું ન હતું.
એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ થાણેમાં તેમની પોસ્ટિંગ દરમિયાન 17 માર્ચ, 2015થી 29 જુલાઈ, 2018 દરમિયાનતેમના પર ભાડાં અને દંડ સહિત 54.10 લાખ રૂપિયા બાકી હતા. પરમબીરસિંહે આ માટે 29.43 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે 24.66 લાખ રૂપિયા હજી પણ બાકી છે. અહેવાલ મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે પરમબીર સિંહ અને મહારાષ્ટ્રના તત્કાલીન ગૃહપ્રધાન અનિલ દેશમુખ વચ્ચે જ્યારે આ વર્ષે વિવાદ થયો હતો ત્યારે તેમણે પોતાનું બાકી લેણું માફ કરવાની અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અધિકારીઓની બદલી થયા બાદ સરકારી નિવાસમાં 15 દિવસ રોકાવાની છૂટ છે. સરકાર આ સમયગાળા દરમિયાન માત્ર લાઇસન્સ ફી લે છે. જો અધિકારી આ 15 દિવસમાં ઘર ખાલી ન કરે તો સરકાર ભાડાની સાથે દંડ પણ વસૂલે છે.