ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
02 માર્ચ 2021
ઉત્તર મુંબઈમાં એક સમયે હરિયાળી ફેલાવતી તેવી ત્રણ નદીઓ લોક માનીતી હતી.આ નદીઓના નામ છે દહીંસર નદી, પોઇસર નદી તેમ જ ઓશિવારા નદી. આજથી 50 વર્ષ અગાઉ આ નદીના કિનારે કર્મકાંડ પણ થતા હતા. જોકે એક વરવી વાસ્તવિકતા એ છે કે આ નદીઓ અત્યારે ગંદગી ના કુંડ બની ગઈ છે. અહીં થી ફેલાતી વાસ તેમજ મચ્છરનો ત્રાસ નદીના કિનારે રહેનાર લોકોને હેરાન પરેશાન કરી મૂકે છે.
જોકે મુંબઈ મહાનગરપાલિકાની વાત માનીએ તો આવનાર દિવસોમાં આ નદીઓની શકલ અને સુરત બદલવાની છે.
મુંબઈ મહાનગરપાલિકાએ ૧૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટર નીમવાની કાર્યવાહી શરૂ કરી છે. આ કોન્ટ્રાક્ટરો નદીને સાફ કરશે તેમજ કિનારાઓ ને ચોખ્ખા ચટ કરીને અહીં ટૂરિસ્ટ સ્પોટ બનાવશે.
ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આ નદીના સફાઈ અભિયાન સંદર્ભે હાઇકોર્ટમાં સવાલ ઉઠાવ્યા હતા. આ ઉપરાંત તેમણે નદીની વિઝીટ પણ કરી હતી અને એ વાત લોકોની સામે રજૂ કરી હતી કે કઈ રીતે નદીની સફાઈ ના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.