ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
મલાડના રિક્ષાચાલકો માટે ભાજપના સ્થાનિક નેતાએ એક પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત મલાડના 4,000 રિક્ષાચાલકોને કોરોનાનું સુરક્ષાકવચ આપવામાં આવશે. કોરોનાનાં લક્ષણો દેખાતાં લોકો ઘણીવાર રિક્ષા દ્વારા હૉસ્પિટલમાં કોરોનાના પરીક્ષણ માટે જતા હોય છે. કરોનાનો રિપૉર્ટ પૉઝિટિવ આવ્યો હોય એમ છતાં ઘણીવાર રિક્ષામાં કોવિડ સેન્ટર પર જતા હોય છે. જોકેઆ સમયે રિક્ષાચાલકોને ખબર નથી હોતી કે મુસાફર કોરોના પૉઝિટીવ છે.
દરમિયાન તે આખો દિવસ રીક્ષા ચલાવે છે. તે પોતે સંક્રમિત થાય છે અને આખો દિવસ તેની રિક્ષામાં બેસનારા ઘણા મુસાફરોને પણ અજાણતાં સંક્રમિત કરે છે. એથી રિક્ષાચાલકો અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને મુંબઈ ભાજપના સચિવ વિનોદ શેલરે મલાડ પૂર્વ અને મલાડ પશ્ચિમના 4000 રિક્ષાચાલકોને કોરોનાનું સલામતીકવચ આપવાનું નક્કી કર્યું છે. આ સુરક્ષાકવચ એટલે રિક્ષાચાલક અને મુસાફરોની વચ્ચે જાડી પ્લાસ્ટિક શીટ.
ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાને રિક્ષાચાલકોને ૧૫૦૦ રૂપિયાની જાહેરાત કરી હતી, પરંતુ રિક્ષાચાલકોને હજી એ રકમ મળી નથી. આવી સ્થિતિમાં રિક્ષાચાલકોને કોરોનાનું સુરક્ષાકવચ ખરીદવું મુશ્કેલ છે. એથી ઉત્તર મુંબઈના ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી અને હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના હસ્તે મલાડ પશ્ચિમમાં મઢ, આંબોજ વાડી, માલવણી, મલાડ પૂર્વ સ્ટેશન પાસે રાણી સતી માર્ગ અને દફતરી રોડ પર પાંચ સ્થળોએ કોરોના સુરક્ષા શીલ્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.