ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
કોવિડ-19 વિષાણુના ડેલ્ટા પ્રકારનું જોખમ વધી ગયું છે. આ વિષાણુનું તાત્કાલિક નિદાન થાય એ માટે મુંબઈ મહાનગરપાલિકાએ કસ્તુરબા હૉસ્પિટલમાં અત્યાધુનિક સિસ્ટમ ઊભી કરી છે. એ મુજબ પહેલા તબક્કામાં 188 દર્દીના નમૂનામાંથી 128 ડેલ્ટા બાધિત હતા. બીજા તબક્કામાં 374 નમૂનામાંથી 304 ડેલ્ટા બાધિત હોવાનું જણાયું છે. જોકે જોખમી રીતે ફેલાઈ રહેલા ડેલ્ટા પ્લસનો એક પણ કેસ મળ્યો નથી, એથી પાલિકાને થોડી રાહત થઈ છે.
નેક્સ્ટ જનરેશન જિનોમ સિક્વિસિંગ લૅબોરેટરીમાં પહેલા તબક્કાના ટેસ્ટના અહેવાલ ગયા મહિનામાં જાહેર કરવામાં આવ્યા હતા. એ મુજબ કોવિડ થયેલા કુલ 188 દર્દીમાંથી 128ને ડેલ્ટાનો ચેપ લાગ્યો હતો, એમાં 93 દર્દી મુંબઈના હતા. આ 93માંથી 58 ટકા દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. બાકીના 42ટકા લોકો લક્ષણ ધરાવતા નહોતા, એથી તેમને હૉસ્પિટલ દાખલ કરવા પડ્યા નહોતા. આ 93 દર્દીમાંથી 47 દર્દીએ કોરોનાની વેક્સિન લીધી હતી. એમાં 20 લોકોએ ફ્ક્ત પહેલો ડોઝ તો 27 લોકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા. આ દર્દીઓના નજીકથી સંપર્કમાં આવેલા 194 લોકોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. એમાંથી 80 લોકો કોરોના પૉઝિટિવ નીકળ્યા હતા.
મુંબઈના માનખુર્દ વિસ્તારમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી; જુઓ વીડિયો
બીજા તબક્કામાં 374 નમૂનામાંથી 304ને ડેલ્ટાનો ચેપ લાગ્યો હતો. અન્ય નમૂનામાં 90-A સબ-વેરિયન્ટ અને 20-A સબ-વેરિયન્ટ પ્રકારનાં ચાર સૅમ્પલ તો બાકીનાં 66 સૅમ્પલ સામાન્ય કોરોનાનાં હતાં. સદનસીબે પહેલા અને બીજા તબક્કાના સૅમ્પલમાં ડેલ્ટા પ્લસના એક પણ કેસ મળ્યા નથી.