News Continuous Bureau | Mumbai
Kerala Murder: કેરળની માનસિક હોસ્પિટલમાંથી ફરાર થયેલો એક ખતરનાક હત્યારો મુંબઈમાં ભંગાર વીણનારાનો વેશ ધારણ કરીને છુપાયો હતો, જેનો અંતે મુંબઈ રેલવે પોલીસ (RPF) એ અંત આણ્યો છે. ૨૦૨૧ના હત્યાના કેસમાં સજા કાપી રહેલો આ કેદી પોલીસને ચકમો આપવા માટે મુંબઈમાં કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ CSMT સ્ટેશન પર RPF એ છટકું ગોઠવી તેને ઝડપી પાડ્યો છે.મલપ્પુરમ, કેરળનો વતની ૨૫ વર્ષીય આરોપી વર્ષ ૨૦૨૧માં પેરિન્થલમન્ના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યો હતો. જેલ દરમિયાન તેની માનસિક હાલત કથળતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાંથી તે ૨૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો.
નાગપુરથી મુંબઈ સુધીની સફર અને વેશ પલટો
હોસ્પિટલમાંથી ભાગ્યા પછી આરોપી ટ્રેન દ્વારા પહેલા નાગપુર અને ત્યારબાદ મુંબઈ પહોંચ્યો હતો. પોલીસની નજરમાંથી બચવા માટે તેણે ભંગાર વીણનારા (Ragpicker) જેવો વેશ ધારણ કરી લીધો હતો. તે મુંબઈના વિવિધ રેલવે સ્ટેશનો અને ફૂટપાથ પર કચરો વીણવાનું કામ કરતો હતો જેથી કોઈને તેના પર શંકા ન જાય. કેરળ પોલીસ તેને નાસિક અને કલ્યાણ પટ્ટામાં શોધી રહી હતી, પરંતુ તે વારંવાર લોકેશન બદલીને પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: BKC Incident:BKC માં ‘Simba Uproar’ ઇવેન્ટમાં સનસનાટી: MBA વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો, હજારોની મેદની વચ્ચે સુરક્ષામાં મોટી ખામી!
‘થેન્ક યુ ગેટ’ પાસે ગોઠવ્યું છટકું
RPF ને ગુપ્ત બાતમી મળી હતી કે બાતમી મુજબનો શંકાસ્પદ શખ્સ CSMT સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૮ પાસે આવેલા ‘થેન્ક યુ ગેટ’ નજીક બેઠો છે. પોલીસે કેરળ પોલીસ દ્વારા મોકલવામાં આવેલા ફોટા સાથે તેની ઓળખની પુષ્ટિ કરી હતી.જેવો પોલીસે તેને પકડવાનો પ્રયાસ કર્યો કે તેણે સ્ટેશનની બહાર ભાગવાની કોશિશ કરી હતી.સતર્ક RPF ટીમે તેને ચારેબાજુથી ઘેરીને દબોચી લીધો હતો.
ગુનાની કબૂલાત અને કેરળ પોલીસને સોંપણી
પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી છે કે તે હત્યાના ગુનામાં સંડોવાયેલો છે અને હોસ્પિટલમાંથી જ ભાગીને મુંબઈ આવ્યો હતો. મુંબઈ રેલવે પોલીસે આ અંગે કેરળ પોલીસને જાણ કરી છે. ટૂંક સમયમાં જ કેરળ પોલીસની ટીમ મુંબઈ આવીને તેનો કબજો લેશે. આ સફળ કામગીરીથી મુંબઈમાં છુપાયેલા એક ખતરનાક ગુનેગારનો પર્દાફાશ થયો છે.
