ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’માં સતીશ કૌશિકનો પેલો ડાયલૉગ યાદ છે? 'ગઈ ભેંસ પાની મેં.' મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનું કામ પણ હમણાં કંઈક આવું જ ચાલી રહ્યું છે. એક બાજુ કોરોનાની બીમારીને કારણે લોકો હેરાનપરેશાન છે ત્યાં તાઉતે વાવાઝોડાએ અણગમતા મહેમાનની જેમ આવી પરિસ્થિતિ વધારે બગાડી દીધી.
વાસ્તવમાં વરસાદની સિઝન શરૂ થતાં પહેલાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બીએમસી ગટર અને નાળાં સાફ કરી રહી હતી. કામ બરાબર આગળ વધી રહ્યું હતું અને ગટરમાંનો કચરો બીએમસીએ બહાર પણ કાઢીને નાખ્યો હતો, જેથી ભીનો કચરો સુકાઈ જાય અને પછી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે.
બીએમસી એના આ કામકાજમાં આગળ વધે એ પહેલાં જ વાવાઝોડાને લીધે આવેલા વરસાદને કારણે કચરો ફરી પાછો ગટરમાં જઈને ભળી ગયો અને બીએમસીની મહેનત પર વાવાઝોડું ફરી વળતાં એપાલિકા જ્યાં હતી ત્યાં ને ત્યાં આવીને પાછી ઊભી રહી ગઈ.
વરસાદ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી છે એવામાં તેઓ મહિના, બે મહિનાથી ચાલતી ગટરની સાફસફાઈનું કામને કેવી રીતે હવે ગણતરીના દિવસોમાં પૂરું કરશે એ જોવા રહ્યું.