ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,21 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મુંબઈમાં કોરોનાના કેસમાં દૈનિક સ્તરે ઘટાડો થઈ રહ્યો છે. ડિસેમ્બરથી ચાલુ થયેલી કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી રહી છે. તેથી બહુ જલદી મુંબઈમાં સવાર-સાંજના સમયે અમુક કલાકો માટે મેદાનો અને બગીચાઓ ફરી ખુલ્લા મુકવા બાબતે વિચાર ચાલી રહ્યો છે.
મુંબઈમાં 21 ડિસેમ્બર 2022થી કોરોનાની ત્રીજી લહેર ચાલુ થઈ હતી. જેમાં ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં કોરોનાના દર્દીની દૈનિક સંખ્યા 150 ની આસપાસ હતી, તે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં 20,000ને પાર કરી ગઈ હતી. તેથી મુંબઈ સહિત મહાષ્ટ્રમાં વધતા કેસને ધ્યાનમાં રાખીને સરકારે ફરી નિયંત્રણો લાદી દીધા હતા. જેમાં હવે ફરી થોડી છૂટછાટ આપવા પર પાલિકા પ્રશાસન વિચાર કરી રહ્યું છે.
પાલિકા પ્રશાસનના કહેવા મુજબ બહુ જલદી સવાર-સાંજના અમુક કલાકો માટે નાગરિકો માટે બગીચાઓ ખુલ્લા મુકવામાં આવશે. જોકે લગ્ન સમાંરભ, સામાજિક કાર્યક્રમ, રાજકીય કાર્યક્રમ સહિત જીમ વગેરે માટે જે 50 ટકાની ઉપસ્થિતિનો નિયમ છે, તેને હાલ કાયમ રાખવામાં આવશે.