ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
રસ્તા પર ઠેરઠેર બેસતા ફેરિયાઓ પાલિકા પ્રશાસન જ નહીં, પણ સામાન્ય નાગરિકો માટે પણ આફતરૂપ છે. રસ્તા પર ગેરકાયદે અડિંગો જમાવી બેસેલા ફેરિયાઓને હટાવવા અત્યાર સુધી પાલિકા પ્રશાસને અનેક પ્રયાસ કર્યા છે. તેમ જ તેની માટે હોકર્સ પૉલિસી પણ બનાવવામાં આવી છે. છતાં ગેરકાયદે ફેરિયાઓની સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યારે ભવિષ્યમાં ફેરિયાઓ માટે અલગથી મંત્રાલય બનાવવા બાબતે સરકાર વિચારાધીન હોવાનું જાણવા મળ્યું છે.
સરકારે અત્યાર સુધી અનેક વખત હોકર્સ પૉલિસી જાહેર કરી છે, પણ હવે આવી પૉલિસી બનાવવાને બદલે ફેરિયાઓ માટે અલાયદો કાયદો જ તૈયાર કરીને સ્વતંત્ર ખાતું તૈયાર કરવાનું વધારે ઉચિત રહેશે એવી સરકારને સલાહ આપવામાં આવી છે. જે રીતે કેન્દ્ર સરકારનું માઇક્રો, સ્મૉલ અને મીડિયમ ખાતું છે, એ મુજબ સરકારે ફેરિયાઓનું અલગથી મંત્રાલય તૈયાર કરવું તેમ જ ફેરિયાઓ માટે અલગથી પ્રધાન બનાવવો જોઈએ એવી માગણી રાજ્યના ભૂતપૂર્વ પોલીસ અધિકારી અને ઍડ્વોકેટ વિશ્વાસ કશ્પયે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને કરી છે. આવું કરવાથી ફેરિયાઓની સમસ્યાઓ પર નિયંત્રણ આવશે અને જવાબદારી સંબંધિત પ્રધાનની નક્કી કરી શકાશે એવું પણ તેમણે કહ્યું છે.
લૂંટો ભાઈ લૂંટો : આખું મુંબઈ ખાડાથી ભરેલું, પાલિકા હવે ખાડાને ભરવા વધુ ખર્ચ કરશે ૧૨ કરોડ
મુંબઈ સહિત અનેક શહેરોમાં ગેરકાયદે ફેરિયાઓની સમસ્યા પ્રશાસન માટે માથાનો દુખાવો બની ગયો છે. હાલમાં જ થાણે મહાનગરપાલિકાનાં મહિલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ગેરકાયદે વ્યવસાય કરનારા ફેરિયાઓ સામે કાર્યવાહી કરવા ગયાં હતાં ત્યારે તેમના પર ફેરિયાઓએ હુમલો કરીને તેમને જખમી કરતાં તેમના હાથની આંગળીઓ કાપી નાખી હતી. ફેરિયાઓ સામે પાલિકા દ્વારા કરવામાં આવતી કાર્યવાહી ફક્ત દેખાડો હોય છે. તેમના માટે બનાવવામાં આવેલી પૉલિસી પણ બિનકામની હોઈ પાલિકા અને પોલીસ તરફથી આ ધંધો ચાલુ જ રહે એવો ઇરાદો છે. એ પાર્શ્વભૂમિ પર પોલીસ અધિકારીએ મુખ્ય પ્રધાનને આપેલું નિવેદન મહત્ત્વનું ગણાય છે.