News Continuous Bureau | Mumbai
GST Case Fraud Bandra મુંબઈમાં જીએસટી (GST) ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધા સંપર્કો હોવાનો દાવો કરીને પેન્ડિંગ ટેક્સ કેસનો નિકાલ કરાવી આપવાના બહાને એક ભૂતપૂર્વ કન્ટ્રી મેનેજર સાથે ₹૭.૯૯ કરોડની જંગી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. વર્ષ ૨૦૨૦માં કોરોના લોકડાઉન દરમિયાન બિઝનેસ ઠપ થતાં ફરિયાદી પર આશરે ₹૧૧ કરોડની જીએસટી લાયાબિલિટી આવી પડી હતી. આ ગંભીર કાનૂની સંકટમાંથી બહાર નીકળવાના પ્રયાસમાં ફરિયાદી ભેજાબાજ ઠગ ટોળકીની જાળમાં ફસાઈ ગયા હતા.
GST Case Fraud Bandra – સરકારી અધિકારીઓ સાથે સેટિંગના નામે કરોડોની છેતરપિંડી
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, વર્ષ ૨૦૨૦ના મહામારીના સમયગાળામાં ફરિયાદીની કંપની સામે જીએસટી વિભાગે ટેક્સ ચુકવણી અંગે કાર્યવાહી શરૂ કરી હતી. પેન્ડિંગ કેસનું સમાધાન કરાવવા માટે ફરિયાદીએ ઓળખીતાઓ મારફતે આરોપીઓનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમના જીએસટી અને ટેક્સ વિભાગના ટોચના સરકારી અધિકારીઓ સાથે અંગત સંબંધો છે અને તેઓ સત્તાવાર રીતે સમગ્ર કેસ રફેદફે કરાવી આપશે. આ ખોટા આશ્વાસન પર વિશ્વાસ મૂકીને ફરિયાદી તેમના કહેવા પ્રમાણે ચાલવા લાગ્યા હતા.
GST Case Fraud Bandra – જેલમાંથી સાગરીતો મારફતે દબાણ અને ₹૭.૯૯ કરોડની વસૂલાત
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જેલમાં બંધ હોવા છતાં તેણે જેલની બહાર સક્રિય પોતાના મળતિયાઓ મારફતે ફરિયાદી પર સતત માનસિક દબાણ બનાવ્યું હતું. આ દરમિયાન ફરિયાદીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જતાં તેઓ ગંભીર ભયમાં મુકાઈ ગયા હતા. આરોપીઓએ ધરપકડ અને લાંબી જેલવાસની બીક બતાવીને કાનૂની પતાવટના નામે ફરિયાદી પાસેથી વિવિધ શંકાસ્પદ બેંક ખાતાઓમાં કુલ ₹૭,૯૯,૩૩,૯૦૨ ટ્રાન્સફર કરાવી લીધા હતા. મોટી રકમ ચૂકવી દીધા બાદ પણ જીએસટી કેસમાં કોઈ રાહત મળી નહોતી.
GST Case Fraud Bandra – વરલીની હોટેલમાં ધમકી આપી નંબર બ્લોક કર્યો; બાંદ્રામાં BNS હેઠળ FIR
કરોડો રૂપિયા મેળવી લીધા બાદ આરોપીઓએ વરલી સ્થિત એક હોટેલમાં ફરિયાદી સાથે બેઠક કરી હતી, જ્યાં કોઈ ઉકેલ લાવવાને બદલે ઊલટાનું ફરિયાદીને જેલભેગા કરી દેવાની ખુલ્લી ધમકી આપી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીનો ફોન નંબર બ્લોક કરી સંપર્ક તોડી નાખ્યો હતો. પોતાની સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થઈ હોવાની ખાતરી થતાં ભોગ બનનાર ઉદ્યોગપતિએ બાંદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. બાંદ્રા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ છેતરપિંડી અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધીને બેંક ટ્રાન્ઝેક્શન અને આરોપીઓની શોધખોળ તેજ કરી છે.
👉 આ સમાચાર વાચો:
Bandra Luxury Car Crash બાંદ્રામાં પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરી કારે ટૂવ્હીલરને અડફેટે લીધું ૨૦ વર્ષીય યુવકનું કરુણ મોત, કાર ચાલક ઝડપાયો
