News Continuous Bureau | Mumbai
Gujarati folk tale “શેઠ સગાળશા આણિ કુંવર ચેલૈયો” ગુજરાતી સિવાય અન્ય ભાષાઓમાં પણ છે?

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે અસરકારક અને નમૂનેદાર કામગીરી બજાવી રહી છે જેને કારણે મુંબઈ શહેર અને ઉપનગરોમાં સતત સાહિત્યિક વાતાવરણ છવાયેલું રહે છે.
અકાદમી નિયમિત રીતે વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈને સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને તાજગીભરી લહેરો વહેતી રાખે છે એટલે મુંબઈગરાઓની ચેતના લીલીછમ્મ રહે છે.
તા.૨૧ મી ડીસેમ્બર ૨૦૨૫ ને રવિવારે સાંજે બોરિવલી પશ્ચિમ ખાતે એક જાણીતી લોકકથા આધારિત સંગીતમય કાર્યક્રમ ભારે સફળતા સાથે યોજાઈ ગયો.ગુજરાતી અને મરાઠી ભાષા અને સાહિત્ય વચ્ચેના આદાન પ્રદાન તથા અનુસંધાનરૂપે આ કાર્યક્રમ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તથા શ્રી સાઈલીલા ચેરીટેબલ ટ્રસ્ટના ઝરૂખો અને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.કાર્યક્રમમાં અતિ પ્રસિદ્ધ લોકકથા” શેઠ સગાળશા આણિ કુંવર ચેલૈયો ” સંગીતમય રીતે રજૂ થઈ.
લોકસાહિત્યના મર્મી કલાકાર શ્રી ભાનુભાઈ વોરાએ ખૂબ જ રસપ્રદ રીતે લોકકથાનું કેન્દ્રરૂપ કથાનક અને વાર્તાની રજૂઆત કરી . એમણે કહ્યું કે વિદેશમાં હું કાર્યક્રમ કરું તો કહું કે તમારી દ્રાક્ષની સંસ્કૃતિ છે જ્યારે મારા ભારતની રૂદ્રાક્ષની સંસ્કૃતિ છે!
જાણીતા ગાયિકા અને મરાઠી કલાકાર સંગીતા મૂળે રાજાપુરકરે શેઠ સગાળશા અને કુંવર ચેલૈયોની કરૂણ કથા સુંદર રીતે પ્રસ્તુત કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્નેહલ મુઝુમદારે સર્વત્ર સુસંગતતા સાથે સહજ રીતે કર્યું.કાર્યક્રમની પરિકલ્પના પણ એમની હતી.
આ સમાચાર પણ વાંચો : Jaipur: ચૌમુમાં ભયનો માહોલ: પથ્થરમારો અને તોડફોડ બાદ કર્ફ્યુ જેવી સ્થિતિ, અફવાઓ રોકવા ઇન્ટરનેટ પર પ્રતિબંધ..
સમગ્ર કાર્યક્રમના સંયોજક સંજય પંડયા અને હિતેન આનંદપરાએ સુંદર આયોજન સાથે એક મૂલ્યવાન કાર્યક્રમની ભેટ આપી.
કાર્યક્રમનો મહત્વનો ભાગ એટલે ડૉ.મોનિકા ઠક્કર દ્વારા આ લોકકથાનું મહારાષ્ટ્ર સાથે અનુસંધાન જોડી આપતી મહત્વની જાણકારી ! .ડો મોનિકા ઠક્કર યુનિવર્સિટી કક્ષાએ લોકસાહિત્યની પીઠ સાથે સંકળાયેલા છે અને તેઓ સતત સંશોધનો કરતાં રહે છે.ડૉ.મોનિકાબેને કહ્યું કે આ જ લોકકથા મહારાષ્ટ્રમાં થોડા ફેરફાર સાથે પ્રચલિત છે.મરાઠી ભાષામાં ” શ્રેયાળ રાજા અને ચિલ્યા બાળ” તરીકે એ જાણીતી છે . સંતકવિ નામદેવની રચનામાં આ કથા વણાયેલી છે એવું એમણે જણાવ્યું હતું.
ભટકતી કે વિચરતી વિમુક્ત જનજાતિઓ દ્વારા આ પ્રકારની લોકકથાઓ વિવિધ રાજ્યોમાં પહોંચી હોઈ શકે અને સમયના પ્રવાહમાં એમાં દરેક રાજ્યમાં ફેરફાર થયા હશે એવો મત સંજય પંડ્યાએ વ્યક્ત કર્યો હતો.
અહેવાલ
પ્રફુલ્લ પંડ્યા