ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,14 જાન્યુઆરી 2022
શુક્રવાર.
દુકાનોના બોર્ડના નામ મરાઠીમાં રાખવાને લઈને મુંબઈમાં ફરી એક વખત માહોલ ગરમાયો છે. મરાઠીમાં દુકાનના બોર્ડના નામ મોટા અક્ષરે રાખવાના સરકારના આદેશ બાદ ફરી એક વખત વેપારીઓને ધમકાવાના અને તેમને હેરાન કરવાના બનાવ પ્રકાશમાં આવ્યા છે. ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર અસોસિયેશનના અધ્યક્ષ વિરેન શાહની ક્રાફર્ડ માર્કેટમાં આવેલી દુકાનની બહાર અમુક આસામાજિક તત્વો દ્વારા ધમકી આપનારા પોસ્ટર લગાવવમાં આવ્યા હોવાની તેમણે સોશિયલ મિડિયાના માધ્યમથી ફરિયાદ કરી હતી. એટલુ જ નહીં પણ તેમને ધમકી આપતા ફોન અને મેસેજ આવી રહ્યા હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી. આ દરમિયાન તેમની દુકાન બહારથી મોડેથી પોસ્ટર હટાવી લેવામાં આવ્યા હોવાનું તેમણે ન્યુઝ કન્ટીન્યુઝને જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં તમામ દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટના બોર્ડના નામ મરાઠીમાં રાખવાનો નિર્ણય બુધવારે રાજ્યની કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યા બાદ ફરી એક વેપારી અને સરકાર સામ સામે થઈ ગઈ છે. મરાઠીમા બોર્ડ રાખવા સામે કોઈ વાંધો નથી પણ મોટા અક્ષરોમાં જ રાખવા જેવી શરતો અને અન્ય પોલિટિકલ પાર્ટીઓની દાદાગીરીને સામે વેપારીઓને વાંધો હોવાનું અગાઉ જ વેપારીઓની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતા ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલફેર અસોસિયેશન (FRTWA)ના અધ્યક્ષ વિરેન શાહ કરી ચૂક્યા છે.
સરકારના આ નિર્ણયને જોકે વેપારીઓએ થોડી નારાજગી પણ વ્યક્ત કરી હતી. વેપારીઓના કહેવા મુજબ મરાઠી ભાષામાં બોર્ડ રાખવા સામે તેમને કોઈ વાંધો નથી. પરંતુ મોટા અક્ષરોમાં જ રાખવું બીજી કોઈ ભાષાનો ઉપયોગ ન કરવો એ એક પ્રકારની દાદાગીરી છે. વેપારીઓએ જાહેરમાં હજી મોટા પાયા પર સરકારના નિર્ણયનો કોઈ વિરોધ નથી કર્યો. છતાં વેપારીઓ સામે અમુક આસામાજિક તત્વોએ ઝેર ઓકવાનું ચાલુ કરી દીધું હોવાની અમુક વેપારી અસોસિયેશનો ફરિયાદ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકાના કમિશનરની ઓફિસ સુધી પહોંચી ગયો કોરોના, આ અધિકારી થયા કોરોના પોઝિટિવ; જાણો વિગત
વિરેન શાહના જણાવ્યા મુજબ તેમને ફોનમાં અને વોટ્સએપ અનેક ધમકીભર્યા મેસેજ આવી રહ્યા છે. વેપારીઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર હેટ કેમ્પેઈન ચાલુ કરવામાં આવ્યું છે. અગાઉ પણ 2008 -09ની સાલમાં વેપારીઓ સામે આવી જ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેના વિરુદ્ધમાં FRDWA હાઈ કોર્ટમા પણ ગઈ હતી. વેપારીઓની લડાઈ મરાઠી કે મરાઠીભાષા સામે નથી. વેપારીઓ મહારાષ્ટ્રમાં રહે છે અને મરાઠી ભાષાનું સન્માન કરે છે. પરંતુ બોર્ડ પર નાના અક્ષરો નહીં ચાલે એવું કહે છે. આ પ્રકરણ પર કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સ્ટે છે. છતા ફરી એક વખત મરાઠી બોર્ડના નામ પર વેપારીઓને ધમકાવવાના બનાવ સામે આવી રહ્યા છે. આ પ્રકરણમાં ફરી હાઈ કોર્ટમાં જવાની તૈયારી કરવામાં આવી રહી હોવાનું પણ વિરેન શાહે કહ્યું હતું.
આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ આ વિવાદમાં કુદકો માર્યો છે. મરાઠીમાં જ બોર્ડના નામ હોવા જોઈએ એવી માગણી મનસેની પહેલાથી જ હતી. જો તેની સામે વેપારીઓએ વિરોધ કર્યો છે તો ખેર નથી. દુકાનના બોર્ડ બદલવાનો ખર્ચ વધુ છે કે પછી દુકાનના કાચ બદલવાનો ખર્ચ વધુ છે તે વેપારીઓ નક્કી કરી લે એવી આડકતરી ધમકી તેમણે આપી હોવાનું કહેવાય છે.