ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ઑક્ટોબર, 2021
શનિવાર
બોરીવલી (વેસ્ટ)માં દિવસે ને દિવસે ફેરિયાઓની દાદાગીરીનું પ્રમાણ વધી રહ્યું છે. દસ દિવસ પહેલાં જ ફૂટપાથ પર બેસાડેલી ગ્રિલને ફેરિયાઓ દ્વારા ઉખેડી નાખવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. મુંબઈ મનપાએ ઘટનાસ્થળનું પંચનામું કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવાની છે. શુક્રવારે મોડી સાંજે પાલિકા દ્વારા ફરી અહીં નવી ગ્રિલ બેસાડવામાં આવી હતી.
બોરીવલી (વેસ્ટ)માં એસ. વી. રોડ પર ઇન્દ્રપ્રસ્થ શૉપિંગ સેન્ટરની બહાર ફૂટપાથ પર મોટી સંખ્યામાં ફેરિયાઓએ અડિંગો જમાવી દીધો છે. બોરીવલીના પાલિકાના આર-સેન્ટ્રલ વૉર્ડ દ્વારા ફૂટપાથનું નૂતનીકરણનું કામ ચાલી રહ્યું છે. જે હેઠળ હજી દસ દિવસ પહેલાં જ સ્ટેશન બહારની આ ફૂટપાથ પર ગ્રિલ બેસાડવામાં આવી હતી. ફૂટપાથ પર ગ્રિલ બેસાડવાને કારણે ફેરિયાઓને ત્યાં બેસીને ધંધો કરવાનું ફાવતું નહોતું. એથી પાલિકાએ ગ્રિલ બેસાડી દીધા બાદ રાતોરાત ફેરિયાઓની ટોળકી દ્વારા આ ગ્રિલને ઉખાડી નાખવામાં આવી હોવાનો બનાવ બન્યો હતો.
બોરીવલીના સ્થાનિક સામાજિક કાર્યકર્તાના કહેવા મુજબ લાખો રૂપિયા ખર્ચીને એક તરફ પાલિકા અહીં નૂતનીકરણ કરી રહી છે, એમાં ફૂટપાથ પર ફેરિયાઓ અતિક્રમણ કરે નહીં અને રાહદારીઓને ચાલવાનું સરળ રહે એ માટે ગ્રિલ બેસાડવામાં આવી રહી છે, પરંતુ ફેરિયાઓ દ્વારા રાતોરાત એને ઉખેડી કાઢવામાં આવે છે. થોડા મહિના અગાઉ પણ આવું જ થયું હતું. આ રીતે પાલિકાના નહીં, નાગરિકોના પૈસાનું પાણી થઈ રહ્યું છે. આવા ફેરિયાઓ સામે સખત પગલાં લેવાં જોઈએ. એમ પણ આ ફેરિયાઓ લાઇસન્સ વગર બેસે છે, પરંતુ પાલિકાના અમુક ભ્રષ્ટ અધિકારીઓને કારણે આ ફેરિયાઓની દાદાગીરી વધી ગઈ છે. એટલે જ્યાં સુધી આ ફેરિયાઓ સામે આકરાં પગલાં લેવામાં નહીં આવે આ લોકો આવું જ કરતા રહેશે.
પાલિકના આર-સેન્ટ્રલ વૉર્ડના અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. બહુ જલદી આ બાબતે પોલીસમાં ગુનો નોંધવામાં આવશે.